(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
શુક્રવારે રાતે ટોળાની હિંસાનો ભોગ બનેલા ગંભીર રીતે ઘાયલ અકબરને હોસ્પિટલ લઇ જવામાં ત્રણ કલાકનો સમય લેનારા આરોપીઓમાંથી એક પોલીસ કર્મીએ કબૂલાત કરી છે કે, તેને કાંઇ સૂઝ પડતી નહોતી અને ‘‘મારી ભૂલ થઇ ગઇ.’’ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર મોહનસિંહને સસ્પેન્ડ કરાયો છે જ્યારે બે કોન્સ્ટેબલોને આ ઘટનામાં ક્યાં ભૂલ થઇ તેની તપાસ સુધી પોલીસ લાઇન્સમાં મોકલી દેવાયા છે. અકબરખાન અને અસલમ પર રાતે ૧૨ વાગ્યાનીઆસપાસ હુમલો થયો હતો જ્યારે પોલીસ ઘટનાસ્થળે આશરે ૧ વાગે પહોંચી ગઇ હતી પણ જ્યારે અકબરને હોસ્પિટલ લઇ જવાયો ત્યારે સવારના ચાર વાગ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કરાયો હતો. અન્ય પોલીસકર્મી દ્વારા વાત કરતા એક વાયરલ થયેલા વીડિયોમાં મોહનસિંહ કહે છે કે, ‘‘હું માનું છું કે, મારી ભૂલ થઇ, હવે મને સજા કરો, મારી સાથે જે કરવું હોય તે કરો, મેં ભૂલ કરી છે.’’ પોલીસે કહ્યું છે કે, પહેલા કહેવાયું છે તેના કરતા પણ ૨૦ મિનિટ પહેલા ટીમ અકબર પાસે પહોંચી ગઇ હતી. અકબરને હોસ્પિટલ લઇ જતા પહેલા પોલીસે પહેલા ગાયોને ગૌશાળા મોકલવા માટેની વ્યવસ્થા કરી, ત્યારબાદ કાવદથી લથબથ બનેલા અકબરને પાણીથી નવડાવ્યો જેથી પોલીસવેન ગંદી ના થાય. વેનમાં અકબરને નાખ્યાં બાદ પોલીસે માર્ગમાં ચા-નાસ્તો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાયું છે કે, પોલીસ જીપની પાછળ રહેલી ખાલી ટ્રક૩.૪૭ કલાકે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. આ વાહનમાં અકબરને મુકાયો હોઇ શકે જેમાં ફક્ત ૧૩ મિનિટ મોડા પડતાં અકબરનું મોત થયું હતું. એક સાક્ષી માયાએ કહ્યું છે કે, પોલીસ વાહનમાં એક વ્યક્તિની મારપીટ કરતી હતી અને ગાળો બોલી રહી હતી. અકબરના મોટા ભાઇ ઇલ્યાસે કહ્યું કે, ટોળાએ તેનો એક પણ અંગે એવો બાકી રાખ્યો નહોતો કે જે ભાંગેલો ન હોય. તેની ગરદન પણ તોડી નાખી હતી તો તેણે કઇ રીતે નિવેદન આપ્યું ?

અલવર પીડિતના ફોટાથી ‘એવા સંકેત નથી
મળતા’ કે તે કલાકોમાં જ મોતને ભેટશે


ઘુંટણ વળેલા હતા, માર મરાયો હતો, આંખો અડધી બંધ હતી પણ હજુ પણ કેમેરા સામે જોઇ રહ્યો હતો. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે, અકબરખાન કલાકોના ગાળામાં મોતને ભેટી ન શકે. એવું પણ અનુમાન કરી શકાય કે, ૨૮ વર્ષના અકબરને હોસ્પિટલ લઇ જવામાં વિલંબ ન થયો હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. અકબર ખાનને મૃત જાહેર કરનારા અલવરના રામગઢ ગામના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડો. હસનણઅલી ખાને કહ્યું કે, ‘‘આ ફોટાથી લાગતું કે, આવી સ્થિતિમાં કોઇ કલાકોના ગાળામાં જ મૃત્યુ પામે. આ ફોટા અને મેં તેને હોસ્પિટલમાં જે સ્થિતિમાં જોયો તેમાં ઘણો અંતર છે. મને લાગે છે કે, કોઇ તેને બચાવી શક્યું હોત.’’ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, અકબરનું પાંસળીમાં ફ્રેકચર અને ઢસડીના માર મારવાથી મોત નિપજ્યું હતું. પાંસળી ભાંગી જવાને કારણે ફેફસામાં પાણી ભરાઇ ગયું હતું જેના કારણે તેનું મોત થયું હતું. ગૌરક્ષકો દ્વારા ઢોર માર માર્યા બાદ અકબરખાનને પોલીસ વાનમાં નાખ્યો તે સમયના આ ફોટા છે. જોકે, આ ફોટોથી સવારે પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં ઘણો વિરોધાભાસ છે જેમાં પોલીસે કહ્યું હતું કે, ઘટનાસ્થળે તે બેભાન થઇને પડ્યો હતો. ફરિયાદ અનુસાર અકબરે કહ્યું છે કે, કેટલાક લોકોએ અમને ગાયો લઇ જતા જોયા અને ગાય તસ્કરીની શંકામાં રોક્યા હતા અને માર મારવાનું શરૂ કર્યું હતું. અહીં મારો મિત્ર અસલમ નાસી છૂટ્યો હતો અને ગામલોકોએ મને લાકડીથી માર માર્યો હતો.