(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.ર
ધોળકા તાલુકાના ભોળાદ અને મોટીબોરૂ ગામ વચ્ચે આઈસર અને પિકઅપ ડાલુ જીપ અથડાતાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
કોઠ પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ ધોળકા-ધોલેરા હાઈવે પર ભોળાદ અને મોટીબોરૂ ગામ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ બંને વાહનો ધડાકાભેર અથડાતાં પીન્ટુ બાબુભાઈ ગાઝીપરાનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ધોલેરા ઈમરજન્સી ૧૦૮ દ્વારા ધંધુકા સારવાર માટે લઈ જતી વેળા ભરત મનસુખભાઈ પાનસુરિયાએ રસ્તામાં દમ તોડી દીધો હતો. બંને મૃતકો બગસરાના હળિયાદના રહેવાસી હતા. જ્યારે આ અકસ્માતમાં ૩ વ્યક્તિઓ ઘાયલ થયા છે. જેઓને સારવાર અર્થે ભાવનગર લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ અમદાવાદ રૂરલ પોલીસના કોઠ પોલીસ મથકનાં પીએસઆઈ એસ.વી.પટેલ, બીટ જમાદાર રમણભાઈ પાંડારે સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
વટામણ પાસે હીટ એન્ડ રનનો બનાવ : પ્રોઢનું મોત
વટામણ-ધોળકા રોડ પર વટામણથી બે કિલોમીટર દૂર અજાણ્યા વાહન ચાલકે વજુભાઈ ગફુરભાઈ મકવાણા (ઉ.વ.પપ)ને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી નાખી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે કોઠ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.