અમરેલી, તા.૧૩
બાબરા-રાજકોટ હાઇવે ઉપર ત્રણ દિવસ પહેલાં થયેલા અકસ્માતમાં ૩નાં મોત બાદ આ હાઇવે ઉપર જુદા જુદા બે અકસ્માતમાં ૩નાં મોત થયા હતા. કપાસ ઉતારવાની મજૂરી કામે બાઈક ઉપર જતાં અને હાઇવે ઉપર માવો ખાવા ઉભેલ યુવાનના બાઇકને ટ્રકે અડફેટે લેતા ૨ દેવીપૂજક યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે ગળકોટડી ગામના ત્રણ ભાઈઓ સ્કૂલેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે ખાનગી બસચાલકે અડફેટે લઇ લેતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇવે ઉપર ડિવાઇડરનું કામ શરૂ હોવાથી જેના કારણે રસ્તો સાંકડો અને વન-વે બનતા અકસ્માતો થઇ રહયા છે. આ અંગે મળતી વિગતો અનુસાર બાબરા તાલુકના ચરખા ગામે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ ભૂપતભાઈ દેવીપૂજક (ઉ.વ.૧૮) તથા જયેશ વિઠ્ઠલભાઈ ચાંગરોળિયા જાતે દેવીપૂજક બંને યુવાનો ખેતરે કપાસ ઉતારવાના કામે ચરખાથી સીમ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં હાઇવે ઉપર માવો ખાવા ઊભા રહ્યા બાદ બાઈક ઉપર બેસતા જ ડિવાઇડરનું કામ કરી રહેલ ટ્રકે બાઇકને અડફેટે લેતા બંને યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે બીજા બનાવમાં ગળકોટડી ગામે રહેતા અને સ્કૂલે ટ્રિપલ સવારીમાં ઘરે પરત ફરી રહેલ પ્રદીપ લાલુભાઇ ડાંગર, રણવીર મેહુલભાઈ ડાંગર અને તેનો ભાઈ શુભમ મેહલભાઈ ડાંગર ત્રણેય યુવાનો આવી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ ખાનગી બસચાલકે બાઇકને અડફેટે લેતા ત્રણેય યુવાનોને ઇજા પહોંચતા પ્રથમ બાબરા સારવારમાં ખસડ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસડ્યા હતા. જેમાં શુભમ મેહુલભાઈ ડાંગર (ઉ.વ.૧૭)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાબરા, રાજકોટ, ભાવનગર હાઇવે ઉપર ચાલી રહેલ રોડ અને ડિવાઇડરના કામના કારણે રસ્તો વન-વે કરવામાં આવતા અકસ્માતો થઇ રહ્યા છે. જેથી રસ્તાનું કામ ઝડપી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.