કેલિફોર્નિયા, તા. ૧૨
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે, ભારતમાં મોટાભાગની રાજકીય પાર્ટીઓ માટે વંશવાદી રાજકારણ સમસ્યા છે પરંતુ અમારા પક્ષમાં રહેલા મોટાભાગના લોકો વંશપરંપરાગત પૃષ્ઠભૂમિ ધરાવતા નથી. રાહુલ ગાંદી નહેરૂ-ગાંધી પરિવારના રાજકારણમાં પાંચમી પેઢીના છે. તેમના પિતા રાજીવ ગાંધી, દાદી ઇન્દિરા ગાંધી અને પરનાના જવાહરલાલ નહેરૂ ભારતના વડાપ્રધાન રહી ચુક્યા છે.
આ દરમિયાન તેમણે એમ પણ જણાવ્યંુ હતું કે, પૃષ્ઠભૂમિને કારણે વ્યક્તિની કાર્યક્ષમતા દર્શાવી ન શકાય. બર્કલીમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યંુ હતું કે, જો પક્ષ કહે તો તેઓ પક્ષની કારોબારીની જવાબદારીઓ સંભાળવા માટે પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ઓક્ટોબરમાં સોનિયા ગાંધી પાસેથી કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી વંશપરંપરાગત રાજકારણ સાથે વધુ સંકળાયેલી છે તેવા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે, ભારત હાલ વંશપરંપરાગતો દ્વારા જ ચાલી રહ્યું છે. રાહુલે ભાજપના સોશિયલ મીડિયા નેટવર્ક અંગે જણાવ્યું હતું કે, મારા વિશે અફવાઓ ફેલાવવા માટે ભાજપના ૧૦૦૦ ફોલોઅર્સ મશીનો પર કામે લાગેલા હોય છે.
ભારતીય મૂળના અમેરિકનો વચ્ચે એક કાર્યક્રમમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યંુ હતું કે, ભારતમાં મોટાભાગના પક્ષોમાં વંશપરંપરાગતની સમસ્યા રહેલી છે, અખિલેશ યાદવ વંશપરંપરાગત, કરૂણાનિધિના પુત્ર સ્ટાલિન વંશપરંપરાગત, ભાજપના પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુલ વંશુપરંપરાગત, એટલે સુધી કે, અભિષેક બચ્ચન પણ વંશપરંપરાગત છે. તેથી ભારત કેવી રીતે ચાલે છે. તેથી ફક્ત મારા માટે નહીં પરંતુ તે વિચારો કે, તેઓ ભારતને કઇ રીતે ચલાવી રહ્યા છે. મને યાદ આવ્યું કે, અંબાણી બંધુઓ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. તેઓ ઇન્ફોસિસ સાથે પણ સંકળાયેલા છે, તો ભારતમાં શું ચાલી રહ્યું છે. હું દરેક રાજ્યમાં તેમનું નામ લઇ શકું છું. ભારતમાં એવા પણ લોકો છે જેઓના પિતા, દાદી કે પરદાદી રાજકારણમાં છે અને તેઓ કરી શકે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસે લોકોસાથે સંવાદ કરવાનું છોડી દીધું હતું. રાહુલે વધુમાં જણાવ્યું કે, જે પક્ષ ૧૦ વર્ષ સુધી સત્તામાં રહે તેમની સાથે આ સમસ્યા રહેવાની છે. વર્ષ ૨૦૦૪માં અમે જે લક્ષ્યાંક રાખ્યું હતું તે હાલના દિવસોમાં ચાલી રહ્યું નથી. રાહુલ ગાંધીએ આરોપ મુકતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસના શાસનમાં જે યોજનાઓ લવાઇ હતી તેનો અમલ કરી આજે ભાજપ પોતાની યોજનાઓ ગણાવી રહ્યું છે.
દરમિયાન ભાજપે પૃષ્ઠભૂમિના રાજકારણવાળા રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, નિષ્ફળ વંશવાદ અંગે બોલવા માટે અમેરિકાનો નિષ્ફળ રાજકીય પ્રવાસ કર્યો છે. તેઓ જ્યાં પણ બોલે છે તેને ભારતના લોકો ધ્યાને લેતા નથી. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને નીચા દેખાડવા માટેની રણનીતિ અપનાવી છે તેનાથી કોઇ આશ્ચર્ય નથી પરંતુ આ તેમની નિષ્ફળ રાજનીતિના સંકેત છે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઇરાની ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે અમેઠીમાં હારી ગયા હતા અને આગામી ચૂંટણીમાં પણ તેઓ તેમની સામે ઉભા રહે તેવી શક્યતા છે.