અમદાવાદ,તા.૮
સાણંદ-વિરમગામ હાઇવે પર ટ્રક ડ્રાઇવરને રોકી તેને માર મારી તેની પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવાઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ આવી જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા પરંતુ પોલીસે ફિલ્મી ઢબે લૂંટારુનો પીછો કરી એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બે આરોપીઓ અંધારાનો લાભ લઇ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રાની મયૂરનગર સોસાયટીમાં રહેતા અશોકભાઇ રબારી ટ્રક ડ્રાઇવરનું કામ કરે છે. અશોકભાઇ ટ્રક લઇ સાણંદ જીઆઇડીસીમાંથી ટાઇલ્સ પર લગાવવાનો પાઉડર ભરી મોરબી જવા નીકળ્યા હતા.
મોડી રાત્રે ૧ર-૩૦ની આસપાસ સાણંદ જીઆઇડીસી કિસ્મત હોટલ પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર આવેલા ત્રણ લૂંટારૂએ ટ્રકને આંતરી રોકી હતી. આ ત્રણેય લૂંટારુએ અશોકભાઇને ટ્રકમાંથી નીચે ઉતારી તેમની પાસે રહેલ રૂ.રર૦૦ જેટલી રકમ લૂંટી લીધી હતી.
દરમ્યાનમાં પોલીસની પેટ્રોલિંગ વાન ત્યાં આવી ચડતા ત્રણેય લૂંટારુ પલાયન થઇ ગયા હતા. પોલીસે આરોપીઓની પીછો કરી તેઓને થોડે દૂરથી એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બે આરોપીઓ અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા.