શેખ સલમાન (જમણે) અને મોહમ્મદ નૂહ સિદ્દીકીએ ૨૦૧૭માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી છે.

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કેન્દ્રીય સેવાઓમાં આરએસએસની પસંદગીના અધિકારીઓની નિમણૂંક કરી યુપીએસસી માળખા સાથે ચેડાં કરવાનો રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપ કરી જોરદાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આ સાથે જ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, તેઓનું ભવિષ્ય જોખમમાં હોવાથી તેઓ પણ અવાજ ઉઠાવે. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર એક પત્ર પણ શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધીએ બાય બાય યુપીએસસી પણ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની આ ટિ્‌વટ વડાપ્રધાન કાર્યાલય તરફથી ૧૭મી મેએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ને લખેલા પત્ર બાદ આવી છે જેમાં પીએમઓએ યુપીએસસીને ફાઉન્ડેશન કોર્સના નંબરોના આધારે પસંદગી પામેલા ઉમેદવારોને કેડર આપવાની સલાહ આપી હતી. રાહુલ ગાંધીએ પોતાની ટિ્‌વટમાં આરોપ લગાવ્યો છે કે, મોદી સરકાર પોતાની પસંદગીના આરએસએસ અધિકારીઓની નિમણૂંક કરવા માગી રહી છે. જોકે, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગને અપાયેલા દસ્તાવેજોમાં આરએસએસના નામનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અત્યારસુધી યુપીએસસીની પરીક્ષામાં ગુણના આધારે સફળ ઉમેદવારોને આઇએએસ, આઇપીએસ, આઈએફએસ, આઇઆરએસ અથવા અન્ય કેડર ફાળવવામાં આવતા હતા. ત્યારબાદ લાલબહાદુર શાસ્ત્રી એકેડેમીમાં તેમનો ફાઉન્ડેશન કોર્સ થતો હતો. હવે વડાપ્રધાન કાર્યાલયનું કહેવું છે કે, ફાઉન્ડેશન કોર્સના ગુણોના આધારે પસંદગી પામેલા ઉમેદવારોને કેડર મળે. તેનો અર્થ એ થયો કે, યુપીએસસીની પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવી પાસ થયા બાદ પણ ઉમેદવાર જાતે નક્કી નહીં કરી શકે કે તે આઇએએસમાં જશે કે પછી આઇપીએસ પસંદ કરશે. પરંતુ ફાઉન્ડેશન કોર્સમાં મળેલા ગુણોના આધારે તેમને કેડર મળશે. આની પાછળ વડાપ્રધાન કાર્યાલયની વિચારણા એ છે કે, એક વખત યુપીએસસી પરીક્ષામાં સફળ થયા બાદ સફળ પરીક્ષાર્થી ફાઉન્ડેશન કોર્સને બહુ ગંભીરતાથી લેતા નથી. જો ફાઉન્ડેશન કોર્સમાં પરીક્ષાર્થી નાપાસ પણ થાય તો તેને ફરી એકવાર તક મળે છે. ઘણીવાર પરીક્ષાર્થી પોતાની રેન્ક સુધારવા માટે ફાઉન્ડેશન કોર્સમાં સામેલ નથી થતા, આના કારણે વડાપ્રધાન કાર્યાલયને લાગે છે કે, નોકરશાહોની બૌદ્ધિક અને કાર્યશીલતાની ગુણવત્તાને અસર થાય છે. નોંધનીય છે કે, ફાઉન્ડેશન કોર્સનો સમયગાળો ત્રણ મહિનાનો હોય છે. હાલમાં યુપીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષા બાદ માર્ક્સના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. યુપીએસસીની મુલ્કી સેવા પરીક્ષા ત્રણ તબક્કામાં થાય છે જેમાં કેન્દ્રની વિવિધ સેવાઓ માટે અધિકારીઓની પસંદગીમાં પ્રાથમિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ ભાગ હોય છે.