(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરોધી આંદોલન કરનારાઓની સંપત્તિ સીલ કરવા અને ટાંચમાં લેવાની ઉત્તર પ્રદેશના સત્તાવાળાઓની કાર્યવાહીને ગેરકાનૂની ગણાવીને સુપ્રીમકોર્ટની નિષ્પક્ષરીતે ફરજ અદા કરવાની તેની ભૂમિકા સામે પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. એક લાંબી ફેસબુક પોસ્ટમાં જસ્ટિસ કાત્જુએ જણાવ્યું કે પોલીસ દ્વારા ભારતીય ફોજદારી કાયદા (આઇપીસી)ની કલમ ૧૪૭ હેઠળ કેસ નોંધવામાં આવે છે. આ કલમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ કે એસડીએમ જેવી સત્તા દ્વારા આરોપીની સંપત્તિ તાકીદે સીલ કરવા કે જપ્ત કરવાની કોઇ જોગવાઇ નથી. જસ્ટિસ કાત્જુએ પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે ઉત્તર પ્રદેશના શહેરોમાં સીએએ સામે તાજેતરના આંદોલનોમાં સંપત્તિનું નુકસાન અને તોફાનો કરનારાઓ પ્રત્યે મારી કોઇ સહાનુભૂતિ નથી ત્યારે મારા અભિપ્રાય મુજબ ઉત્તર પ્રદેશના સત્તાવાળાઓની કાર્યવાહી પણ સંપૂર્ણપણે ગેરકાનૂની છે. ફેસબુક પોસ્ટમાં તેમણે એવું પણ લખ્યું છે કે આઇપીસીની કલમ ૧૪૭ હેઠળ જો કોઇ પણ તોફાની દોષિત ઠરશે તો તેને જેલમાં મોકલવાની જોગવાઇ છે અને તોફાનીનો કારાવાસ બે વર્ષ સુધી લંબાવી શકાય છે. કલમ ૧૪૭માં એવી પણ જોગવાઇ છે કે આરોપીને આર્થિક દંડ કે સજા અથવા બંને કરવામાં આવે. આઇપીસીમાં ક્યાંય પણ એવું લખવામાં આવ્યું નથી કે ટ્રાયલ કે સુનાવણી કર્યા વગર આરોપીની પ્રોપર્ટી સીલ કરવામાં આવે. તેમણે એવું પણ કહ્યું કે હિંસામાં સંડોવાયેલી કોઇ પણ વ્યક્તિનું તેઓ સમર્થન કરી રહ્યા નથી. મુઝફ્ફરનગરમાં સત્તાવાળાઓ દ્વારા કથિત તોફાનીઓ સાથે સંબંધિત ૬૭ દુકાનો સીલ કરી દીધી અને મુખ્યત્વે મુસ્લિમોની દુકાનો સીલ કરવામાં આવી છે. પ્રશાસનની આ કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાનૂની છે. કારણ કે કોર્ટના આદેશ અને મામલાની સુનાવણી કર્યા વગર આ કાર્યવાહી કરવામાં આવી છે. ભૂતપૂર્વ જસ્ટિસે જણાવ્યું કે એવું લાગે છે કે યુપી સરકાર જાતે જ કાયદો બનાવી રહી છે અને આ બાબત ૧૯૩૩ની પહેલી માર્ચના જર્મન રીચસ્ટેગ (જર્મન સાંસદ) દ્વારા પસાર કરવામાં આવેલા સક્ષમ અધિનિયમની યાદ અપાવે છે. જર્મન રીચસ્ટેગ હિટલર સરકારને સંસદની મંજૂરી વગર કાયદો બનાવવાની મંજૂરી આપી દીધી હતી. આ ગેરકાનૂની ટ્રેન્ડ ભારતમાં શરૂ થઇ જશે અને ભારતીય ન્યાયતંત્ર આ ટ્રેન્ડને રોકશે નહીં તો ટૂંક સમયમાં જ આ દેશમાં નાઝી યુગ શરૂ થઇ જશે.