(એજન્સી) તા.૧૯
સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડે કાત્જુએ વિવાદાસ્પદ સિટીઝનશીપ બિલ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને આ કહેવામાં દુઃખ થાય છે પરંતુ મારે સાચું બોલવું જોઈએ. ર૦૦ મિલિયન જેટલા ભારતીય મુસ્લિમોના ખરાબ દિવસો આવી ગયા છે. એક ન્યૂઝ વેબસાઈટ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કાત્જુએ કહ્યું હતું કે, ભાજપે તેની બધી નિષ્ફળતાઓ માટે આ બહાનું શોધ્યું છે અને દેશના મુસ્લિમોને બલિનો બકરો બનાવવામાં આવ્યા છે. સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયાધીશે લખ્યું હતું કે, ભારતની કુલ વસ્તીમાં ૮૦ ટકા હિન્દુઓ છે અને તેમાંથી મોટાભાગના હિન્દુઓ સાંપ્રદાયિક તેમજ ધ્રુવીકૃત (મુસ્લિમ વિરોધી) બની ચૂકયા છે, ખાસ કરીને ર૦૧૪માં ભાજપ સત્તામાં આવ્યો ત્યારબાદ તે બધાની નજરમાં મોટાભાગના મુસ્લિમો કટ્ટરવાદી, રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી છે. આથી જ જ્યારે ગૌરક્ષકો કોઈ મુસ્લિમ વ્યક્તિનું લિંચિંગ કરી નાંખે છે ત્યારે લોકો ખુશી વ્યક્ત કરે છે અને સમજે છે કે, એક આતંકવાદી ઓછો થઈ ગયો. મુસ્લિમોને હિન્દુ યુવતીઓ સાથે છેડતી કરનારાઓ તરીકે ચિતરવામાં આવે છે જેને લોકો લવજેહાદ પણ કહે છે. કાત્જુએ લખ્યું હતું કે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જીડીપી સતત ઘટી રહ્યું છે. દેશમાં બેરોજગારી વધી રહી છે. કૃષિ સંકટ વધી રહ્યો છે. ભારતના લોકો માટે યોગ્ય સ્વાસ્થ સેવાઓ અને સારું શિક્ષણ ઉપલબ્ધ નથી. ૧૯રરમાં ઈટાલી અને ૧૯૩૩માં જર્મનીમાં ફાસીવાદી સરકારોએ સત્તા સંભાળી ત્યારે યહુદીઓની આ જ સ્થિતિ હતી. ભાજપ સરકાર પાસે દેશની આર્થિક કટોકટીનો કોઈ ઉકેલ નથી. આથી સરકારે તેનાથી બચવા માટે મુસ્લિમોને બલિનો બકરો બનાવ્યો છે.