(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમો કર્યા હતા. જેમાં આજે સાંજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેના કાર્યક્રમમાં તેમણે સેનાની એરસ્ટ્રાઈકને લઈ જણાવ્યું હતું કે, હું વધારે રાહ નથી જોઈ શકતો, વીણી-વીણીને હિસાબ પૂરો કરવો એ મારા સ્વભાવમાં છે. ઘરમાં ઘૂસીને મારવાનો અમારો સિદ્ધાંત છે. આ સાથે પાકિસ્તાનની મીડિયા પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે, ભારતના નેતાના નિવેદન પાકિસ્તાનના અખબારો પ્રસિદ્ધ કરે છે. વડાપ્રધાન મોદીએ આજે મોડી સાંજે સિવિલ કેમ્પસમાં નવી બનેલ અદ્યતન સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. આ વેળા યોજાયેલી જનસભાને સંબોધતા વડાપ્રધાને આક્રમક રીતે જણાવ્યું હતું કે, દેશહીત માટે જે જરૂરી હશે તે અમારી પ્રાથમિકતા રહેશે. હું નિર્દોષ લોકોને મરવા નહીં દઉં, મને સત્તાની-ખુરશીની ચિંતા નથી, મને ચિંતા મારા દેશની છે, સેનાને લઈ વિપક્ષો વિવાદ કરી રહ્યા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, મોદીની વાત ન માનો પણ સેના પર તો વિશ્વાસ કરો. મારા વચનો પર બોલો સેનાને ગાળ કેમ બોલો છો.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, સમુદ્રી શક્તિ માટે લોથલમાં ઐતિહાસિક મ્યુઝિયમ બનશે, દુનિયાભરમાંથી લોકો અહીં આવશે. રોજગારીના અવસર વધશે. એકલા ગુજરાતના દરિયા કિનારાના વિકાસ માટે ૭પ૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે આદિવાસીઓના વિકાસ માટે અને રોજગારી માટે સંકલ્પ સાથે કામ કરી તેમને સમાજની સાથે જોડવાનો પ્રયાસ કર્યો. હું ર૦૦૧માં મુખ્યમંત્રી બન્યો, ત્યાં સુધી આદિવાસી વિસ્તારમાં ૧૦ સાયન્સ અભ્યાસની પણ વ્યવસ્થા ન હતી, ત્યારે હવે મેડિકલ કોલેજ પણ ખૂલી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રિમોટ કન્ટ્રોલવાળી સરકારે આટલા વર્ષમાં રપ૦ કિ.મી. મેટ્રોનું કામ કર્યું, જ્યારે અમારી સરકારે પપ મહિનામાં ૬પ૦ કિ.મી.નું કામ પૂર્ણ કર્યું. એટલું જ નહીં ૮૦૦ કિ.મી.ના રૂટ પર કામ ચાલી રહ્યું છે. અમદાવાદીઓ ઉત્તરાયણ સમયે ધાબામાં જોવા મળે છે, તે પછી આજે મેટ્રો ચાલી રહી હતી, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરના ધાબામાં જોવા મળ્યા તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે, અમદાવાદીઓની સાથે મારૂં પણ વર્ષો જૂનું સપનું સાકાર થયું અને મેં મેટ્રોની આજે સફર કરી. પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરતા જ વીર જવાનોને યાદ કરી, લોકોને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરાવી, નારા લગાવડાવ્યા હતા.