(એજન્સી) તા.૩૦
પોતાનું પુસ્તક ભેદ ભારત અર્થાત ભેદભાવયુક્ત ભારતનું વિમોચન કરતા અગ્રણી દલિત અને માનવ અધિકાર કાર્યકર માર્ટિન મેકવાને જણાવ્યું હતું કે શાસક ભાજપ અને તેના સાથી પક્ષોએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અનામત દલિત અને આદિવાસી બેઠકો મહત્તમ સંખ્યામાં જીતવા છતાં બંને સમુદાયો વિરુદ્ધ અત્યાચારોનું પ્રમાણ વધ્યું છે અને બંને વચ્ચેના સહસંબંધો અપમાનજનક અને પરેશાન કરનાર છે. ગુજરાતીમાં સંકલિત આ પુસ્તકમાં ભારતભરમાં ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચે બંને સમુદાયો વિરુદ્ધ નોંધાયેલા અત્યાચારોની સત્ય ગાથા રજૂ કરે છે. સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને પૂર્વ એડિશનલ સોલિસીટર જનરલ ઈન્દિરા જયસિંગ દ્વારા દલિત શક્તિ કેન્દ્ર ખાતે આ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ભારતના યોજના પંચના પૂર્વ સભ્ય સૈયદા હમીદ, ગુજરાતના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર, માનવ અધિકારી કાર્યકર ગગન શેટી અને રાજ્યભરના સેંકડો દલિતો અને આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૨૪૮ પાનાના આ પુસ્તકમાં મેકવાને દેશના જુદા જુદા ભાગોમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દલિતો અને આદિવાસીઓ દ્વારા સહન કરવામાં આવેલા અત્યાચારો, દુરુપયોગ અને દુર્લક્ષના ૩૧૯ કેસોનો સારાંશ રજૂ કર્યો છે. મુખ્યત્વે અખબારી અહેવાલોના આધારે આ કહાણીઓ રજૂ કરવામાં આવી છે. માર્ટિન મેકવાને જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય આ રીતે પુસ્તક સંકલિત કરવામાં આવ્યું નથી.
પુસ્તકની પ્રાસ્તાવિક નોંધમાં મેકવાને જણાવ્યું છે કે ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ દરમિયાન નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર દલિતો વિરુદ્ધ અત્યાચારોના ૧૧૯૮૭૨ અને આદિવાસીઓ વિરુદ્ધ ૧૯૬૭૧ કેસો નોંધાયા છે. આમ કુલ ૧૩૮૫૪૩ અત્યાચારના કેસો નોંધવામાં આવ્યા છે. આ આંકડામાં જેમની સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારાની જોગવાઇઓ હેઠળ કરવામાં આવેલા કેસોનો સમાવેશ થતો નથી. એવા કેસો જેમાં લોકો ડરના માર્યા પોલીસ સમક્ષ જતા નથી. તે પણ તેમાં સામેલ કરાયા નથી. તેમાં ગટરોની સફાઇ કરતી વખતે ગુંગળામણને કારણેે મૃત્યુ થતાં સફાઇ કામદારોના કેસોનો પણ સમાવેશ કરાયો નથી એવું મેકવાને પોતાની નોંધમાં ઉમેર્યું હતું.