(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતિપુરાના ગોરીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી આતંકી હુમલો થયો છે. જેને લીધે સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે. આ નાપાક હરકતની સામે સમગ્ર દેશના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટના મુદ્દે બોલિવૂડે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. જાણકારી મુજબ, લગભગ રપ૦૦ જવાનોના કાફલામાંથી એક બસને આતંકીએ ર૦૦ કિલો વિસ્ફોટકોથી ભરેલી કારથી ટક્કર મારી અને તેમાં સીઆરપીએફના ૪ર જવાનો શહીદ થઈ ગયા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે અને તેના આતંકી આદિલ અહમદ ડારે સીઆરપીએફ કાફલા પર હુમલાને અંજામ આપવા માટે ર૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલા બાદ દુનિયાના ઘણા દેશોએ ભારત સરકાર અને જનતા પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. બોલિવૂડ અભિનેતા સલમાનખાને આ ઘટનાની નિંદા કરતા લખ્યું છે કે, દેશપ્રેમ માટે પોતાનો જીવ આપનારા સીઆરપીએફ જવાનો શહીદ થતાં મારૂં હૃદય દ્રવી ઉઠયું છે કે, જેમણે આપણા પરિવારોની સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું. હોલી ડે, સ્પેશિયલ ર૬ જેવી ફિલ્મો કરી ચૂકેલા અક્ષય કુમારે આ ઘટનાના મુદ્દે લખ્યું છે કે, પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આ ભયાવહ આતંકી હુમલા પર વિશ્વાસ જ નથી બેસતો, આપણે તેને ક્યારેય નહીં ભૂલી શકીએ. ભગવાન શહીદોની આત્માને શાંતિ અર્પે અને ઘાયલ જવાનો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવું હું ઈચ્છું છું. ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં મેજર વિહાન સિંહ શેરગીલની ભૂમિકા ભજવીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર બોલિવૂડ કલાકાર વિક્કી કૌશલે પુલવામામાં થયેલા આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્‌વીટર પર લખ્યું છે કે, પુલવામા આતંકી હુમલાની જાણકારી બાદ હું ખૂબ જ દુઃખી છું, જે બહાદૂર જવાનો આ હુમલામાં શહીદ થયા છે. તેમના પરિવારો માટે મારૂં હૃદય દ્રવી ઉઠયું છે અને ઘાયલ જવાનો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવું હું ઈચ્છું છું. બીજી તરફ પ્રિયંકા ચોપડાએ આ હુમલા અંગે રોષ પ્રગટ કરતા જણાવ્યું કે, પુલવામામાં થયેલો આતંકી હુમલો આઘાત પમાડે તેવો છે. નરફતનો કોઈ જવાબ નથી હોતો. ભગવાન, હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા કાયરતાના હુમલાથી હું દુઃખી, ગુસ્સામાં અને આઘાતમાં છું મારી સંવેદનાઓ શહીદોના પરિવારોની સાથે છે અને હું ઘાયલ જવાનો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવું ઈચ્છું છું.