(એજન્સી) લખનૌ, તા. ૩૧
ભદોહી જિલ્લાના ગોપીગંજ વિસ્તારમાં છેડતીનો વિરોધ કરવા બદલ કેટલાક લોકોએ મહિલાના ઘરમાં ઘૂસી કથિત રીતે મારપીટ કરી અને તેને નિવસ્ત્ર ગામમાં ફેરવી હતી અને યોગી આદિત્યનાથની ઉદાસીન પોલીસે પીડિત મહિલા અને તેના પતિ વિરૂદ્ધ જ ફરિયાદ દાખલ કરી. પોતે માથાથી પગ સુધી ભગવા વસ્ત્રોમાં લપેટાયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જો આ વાતનો એહસાસ હોત કે કોઈ મહિલાને નિવસ્ત્ર ફેરવવામાં આવે તે શું અનુભવ છે તો કદાચ ઉત્તરપ્રદેશની આ હાલત ન હોત. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી અલી બજરંગ બલી કરવામાં વ્યસ્ત હોય તો પ્રદેશની આ સ્થિતિ થવી સુનિશ્ચિત છે. ભદોહીના ગોપીગંજ વિસ્તારમાં રહેતી અને વણકરનું કામ કરતી ૩ર વર્ષની આ મહિલા વણકરો માટેનું શિલ્વી કાર્ડ બનાવવા ગઈ હતી. ત્યાં લાલચંદ યાદવ નામના એક વ્યક્તિએ તેણી સાથે છેડખાની કરી હતી. મહિલાએ તેનો પ્રતિકાર કરતા લાલચંદનો અહમ ઘવાયો હતો. ત્યારબાદ લાલચંદે પ્રતિકારનો બદલો લેવા પોતાના સાથીઓ સાથે મહિલાના ઘરે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેણીને નિવસ્ત્ર ગામમાં ફેરવી હતી. આ ઘટનાક્રમ દરમ્યાન ગ્રામજનો મૂકદર્શક બની રહ્યા અને કેટલાકે નિર્લજ્જતાનો પરિચય કરાવતા આ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો. જ્યારે મહિલા પોતાની સાથે થયેલ અત્યાચારની ફરિયાદ કરાવવા પહોંચી ત્યારે તેને મુદ્દો રફે-દફે કરવાની સલાહ આપવામાં આવી. અને તેણી આ સાથે સહમત ન થતાં કોઈ કાર્યવાહી વિના જ તેને ઘરે પરત મોકલી હતી. આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી તેમજ મુખ્ય આરોપી લાલચંદની ધરપકડ કરવામાં આવી.