(એજન્સી) યોલા, તા.ર
ઉત્તર પૂર્વ નાઈઝેરિયાના એક શહેરમાં આવેલ મસ્જિદમાં થયેલા બે બોમ્બ ધડાકાઓમાં ર૪ લોકો માર્યા ગયા હતા. પહેલાં ધડાકા બાદ તરત જ બીજો ધડાકો થયો હતો. તેમ પોલીસે જણાવ્યું હતું.
નાઈઝેરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારી હાલમાં અમેરિકાની મુલાકાતે છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બોકોહરમ આંતકવાદીઓના પડકાર અંગે ચર્ચા કરી હતી. તે સમયે જ આ બે વિસ્ફોટ થયા હતા. બોકોહરમે ધડાકાની જવાબદારી ઉઠાવી છે. છેલ્લા છ માસમાં આ બીજી વખત મુબીનગરની મસ્જિદમાં ધડાકા કરાયા હતા. નવેમ્બરમાં એક સગીરવયના છોકરાએ આત્મઘાતી હુમલો કરી મસ્જિદમાં નમાઝ પઢી રહેલા લોકોને નિશાન બનાવ્યા હતા. જેમાં પ૦ લોકો માર્યા ગયા હતા.
મંગળવારે થયેલા વિસ્ફોટ બાદ પોલીસે કહ્યું કે ર૪ લોકોનાં મોત થયા છે. ઘટનાસ્થળે પોલીસે ઘેરાબંધી કરી છે. ધડાકાથી મસ્જિદનું છત ઊડી ગયું હતું. ઘાયલ લોકોને સારવાર અપાઈ હતી.