(એજન્સી) તા.૧૧
દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં મસ્જિદોમાં જુમ્માની નમાઝ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકોને પોતાની ઓળખ સંબંધિત દસ્તાવેજોને ફરીથી ચકાસી લેવાની સલાહ આપવામાં આવી રહી છે. મુસ્લિમોને કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સિએનઆરસીી અને નાગરિકતા સુધારા બિલ ૨૦૧૯ને ધ્યાનમાં રાખી પોતાના દસ્તાવેજની દરેક ભૂલોને સુધારી લો જેથી ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો ના કરવો પડે. જોકે ધાર્મિક નેતાઓ કહે છે કે આ જાહેરાતોને એનઆરસી સાથે કોઈ લેવા દેવા નથી. અમે અગમચેતી પગલાં સ્વરૂપે આ કાર્યવાહી કરી રહ્યાં છીએ. તેમના પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહને સ્પષ્ટ કરી દીધું છે કે તે સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરશે. અમુક અઠવાડિયા પહેલા ચાર દક્ષિણી રાજ્યોની મસ્જિદોના વડાની બેઠકમાં મુસ્લિમ સમુદાયના લોકોને દસ્તાવેજોની ભૂલો સુધારવાની સલાહ આપવામાં આવી હતી. તે હેઠળ હવે લોકોને કહેવાઈ રહ્યું છે કે તે પોતાના દસતાવેજોને ફરીથી ચકાસી લે. બેંગ્લુરુની જામા મસ્જિદના ઈમામ મોહમ્મદ મક્સૂદ ઈમરાને કહ્યું કે અમને એનઆરસી અને સીએબી સાથે કોઈ લેવા દેવા નથી. કેમ કે અમે ભારતના નાગરિક છીએ. અમે લોકોને ફક્ત સાવચેત રહેવા કહીએ છીએ. જેથી દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારના સુધારાની જરૂર હોય તો તે તાત્કાલિક અરજી કરી શકે. દક્ષિણ ભારતમાં અનેક લોકોના આધારકાર્ડ, પાન કાર્ડ કે વોટર આઈકાર્ડના ડેટામાં સમાનતા નથી. ભારતીય મુસ્લિમને સીએબીથી ડરવાની કોઈ જરૂર નથી. મોહમ્મદ મક્સૂદ ઈમરાન અનુસાર સીએબી પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી શાહે સ્પષ્ટ કહ્યું હતું કે તે તેને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવા દેવા નથી. આ બિલ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર થયેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી અને શીખ સમુદાયના લોકોને ભારતમાં સંરક્ષણ આપવાની જોગવાઈ કરે છે.