(એજન્સી) પટના, તા.૯
બિહાર ભાજપાધ્યક્ષ નિત્યાનંદ રાયે મસ્જિદોમાંથી અઝાનને બદલે ભારત માતા કી જયનો અવાજ સંભળાવવો જોઈએનું નિવેદન આપતાં વિવાદોમાં ઘેરાયા છે. નિત્યાનંદ રાયે કહ્યું હતું કે મસ્જિદોમાં અઝાન અને ચર્ચમાં ઘંટડીઓના અવાજના બદલે ભારત માતા કી જયના ઘોષનાદ સંભળાવવો જોઈએ. જો કે, બાદમાં તેમણે યુ-ટર્ન લેતાં કહ્યું હતું કે, મેં એમ કહ્યું છે કે મસ્જિદો અને ચર્ચમાંથી ભારત માતા કી જય અને વંદે માતરમ્‌નો અવાજ આવવો જોઈએ પરંતુ તેનો અર્થ એ નથી થતો કે અઝાન થતાં ઘંટડીઓને બદલે તેનો અવાજ આવવો જોઈએ. તદુપરાંત બિહારની નવી નીતિશ સરકારમાં મંત્રી વિનોદકુમારસિંહે મંગળવારે એક મોટા વિવાદને જન્મ આપ્યો હતો. બિહારમાં ભાજપ-જેડીયુની સરકારમાં ખાણ અને ભૂગર્ભીય મામલાના મંત્રી વિનોદકુમારે મંગળવારે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે ભાજપના એક સમારોહમાં તેમની સાથે ભારત માતા કી જયનો સૂત્રોચ્ચાર ન કરતાં મીડિયાકર્મીઓને પાકિસ્તાનના સમર્થક ગણાવ્યા હતા તેની પહેલાં આ જ સમારોહમાં ભાજપના બિહાર એકમના અધ્યક્ષ નિત્યાનંદ રાયે કહ્યું કે મસ્જિદોમાંથી અઝાન અને ચર્ચમાંથી ઘંટીઓના અવાજ બદલે ભારત માતા કી જયના અવાજ આવવો જોઈએ. જો કે અહેવાલ અનુસાર કાર્યક્રમમાં હાજર મીડિયાકર્મીઓએ સૂત્રોચ્ચાર ન કરતાં વિનોદસિંહ નિરાશ થયા હતા અને તેમણે કહ્યું કે તમે પહેલાં ભારત માતાના સંતાન છો. પત્રકાર બાદમાં શું તમે મારી સાથે ભારત માતાની જયનો સૂત્રોચ્ચાર નહીં કરો તો શું તમે પાકિસ્તાન માતાના સમર્થક છો ?