(એજન્સી) નવી દિલ્હી/ જમ્મુ, તા. ૧૮
ગત ગુરૂવારે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરીને ૪૦ જવાનોની હત્યા કરનારો જૈશે મોહંમદનો મુખ્ય કાવતરાખોર સહિત બે આતંકવાદીને ઠાર કરાયા છે જ્યારે મેેજર સહિત ચાર જવાન પણ આ એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ એન્કાઉન્ટર પુલવામાની ઘટનાથી માત્ર ૧૦ કિલોમીટર દૂર જિલ્લાના પિંગલાન વિસ્તારમાં થયો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે, પુલવામાના પિંગલાનમાં થયેલા એન્કાઉન્ટરમાં લેફ્ટન્ટ કર્નલ સહિત ચાર જવાનો ગંભીર રીતે ઘવાયા છે. એન્કાઉન્ટરમાં એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું હતું. ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલાની તપાસમાં કામરાનની ભૂમિકા શંકાસ્પદ હતી. અથડામણમાં શહીદ થયેલા જવાનમાં મેજર ડીએસ ડોડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાહી અજય કુમાર અને હરિ સિંહનો સમાવેશ થાય છે. આતંકવાદીઓની વિસ્તારમાં હિલચાલની માહિતી મળ્યા બાદ સલામતી દળોએ સર્ચ અને કોર્ડન ઓપરેશન હાથ ધર્યું હતું જે રવિવાર રાતથી સોમવાર સવાર સુધી ચાલ્યું હતું અને આતંકવાદીઓએ ગોળીબાર કરતા સેનાએ પણ સામે ગોળીબાર કર્યો હતો.
સુરક્ષાદળોને ગત રાત્રે માહિતી મળી હતી કે પુલવામાના પિંગલિના વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયા હતા. જ્યાર બાદ ગત રાત્રે ૧૨ વાગ્યાથી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ફાયરિંગ શરુ થયુ હતું. જેમાં એક મેજર સહિત ચાર જવાન શહીદ થયા. આ તમામ જવાન ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયુ હતુ. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો તથા ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ ગાઝીને ઠાર માર્યો હતો. ગઇ કાલે મોડી રાતે શરૂ થયેલ અથડામણમાં સુરક્ષાદળોએ કામરાન નામના એક અન્ય આતંકીને પણ ઠાર માર્યો હતો. પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ ગાઝી સાથે કામરાન પણ તેની ષડ્યંત્રણમાં સામેલ હતો. આ અથડામણમાં એક મેજર સહિત સુરક્ષાદળના ચાર જવાન પણ શહીદ થયા હતા, જોકે અબ્દુલ રશીદ ગાઝી ઠાર મરાયાના અહેવાલને હજુ સુધી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. ૧૧ કલાક કરતાં વધુ સમય ચાલેલ અથડામણમાં પુલવામા હુમલાના બંને માસ્ટર માઇન્ડને ઠાર મારીને સુરક્ષાદળોએ આજે બદલો લઇ લીધો હતો. સુરક્ષાદળોએ ગ્રેનેડથી જ્યાં રશીદ અને કામરાન છુપાયા હતા તે ઇમારતોને ઉડાવી દીધી હતી. અબ્દુલ રશીદ ગાઝી અને કામરાન પુલવામા હુમલા બાદ નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે એક આતંકી મોહંમદ આદીલ ડાર આત્મઘાતી હુમલામાં માર્યો ગયો હતો. જૈશના વડા મૌલાના મસૂદ અઝહરના સૌથી વિશ્વસનીય સાગરીતોમાં ગાઝીનો સમાવેશ થતો હતો. તેને યુદ્ધ ટેકનિક અને આઇઇડી બનાવવાની તાલીમ તાલિબાન પાસેથી મળી હતી.
ગાઝી સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરનારા ૧૯ વર્ષના આદિલ અહમદને ટ્રેનિંગ આપી હતી અને આ હુમલામ માટે તેને તૈયાર કર્યો હતો. ૧૪મી ફેબ્રુઆરીના રોજ એટલે કે ગુરૂવારે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર એટેકને લઇ આખા દેશમાં આક્રોશ છે. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ એકશનમાં છે. દરમિયાન ગૃહમંત્રી રાજનાથસિંહે સોમવારે એન્કાઉન્ટર બાદ જણાવ્યું હતું કે, આતંકવાદી કૃત્યનો બદલો લેવામાં સેના સફળ થઇ રહી છે અને તેમનો આત્મવિશ્વાસ ભાંગ્યો છે. આના કારણે સલામતી દળોનો આત્મવિશ્વાસ વધ્યો છે. સેનાના જવાનો આતંકવાદીઓને ઠાર કરવામાં સફળ થઇ રહ્યા છે.

ભારત સાથે તંગદિલી વચ્ચે પાકિસ્તાને પોતાના રાજદૂતને પરત બોલાવ્યા

જેવા સાથે તેવાના પગલાંના રૂપમાં પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ જાહેરાત કરી છે કે, ઇસ્લામાબાદે ભારત સાથે તંગદિલી વચ્ચે ચર્ચા વિચારણા માટે નવી દિલ્હીમાં પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહંમદ ફૈસલે ટિ્‌વટર પર કહ્યું છે કે, અમે ચર્ચા વિચારણા માટે ભારતમાં અમારા રાજદૂતને પરત બોલાવ્યા છે. તેઓ સવારે દિલ્હી છોડીને ઇસ્લામાબાદ માટે નીકળી ગયા હતા. ગયા અઠવાડિયે કાશ્મીરમાં ભારતીય સૈન્યના એક કાફલા પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટને પગલે પાકિસ્તાનમાં પોતાના રાજદૂતને યાદ કર્યા હતા જેમાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. ફૈસલે કહ્યું છે કે, એ સ્પષ્ટ નથી કે, તેઓ ઇસ્લામાબાદમાં હજુ કેટલા દિવસ રહેશે. શુક્રવારે ૪૦ સીઆરપીએફ જવાનોની હત્યા મુદ્દે આકરો વિરોધ નોંધાવવા માટે ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે દ્વારા પાકિસ્તાનના રાજદૂત સોહેલ મહમૂદને બોલાવ્યા હતા. હુમલાને પગલે ચર્ચા વિચારણા માટે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયાને પણ ભારત બોલાવી લીધા હતા. ગુરૂવારે થયેલા હુમલામાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશે મોહંમદ પર આરોપ લગાવ્યો છે. હુમલાની જવાબદારી પણ જૈશે લીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર આતંકવાદી હુમલામાં ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જ એવું પણ કહ્યું છે કે, તે નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી સક્રીય આતંકવાદી જૂથોને તમામ પ્રકારની સહાયતા તથા નાણાકીય બળ પુરૂ પાડે છે. તેના જવાબમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ભારતને ઉતાવળમાં નિષ્કર્ષ નહીં કાઢવા કહ્યું છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગની તત્પરતા દેખાડી છે. જમ્મુ-કાશ્મીર એવો વિસ્તાર છે જે ૧૯૪૭થી જ્યારે બંનેદેશોએ બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી ત્યારથી ભારત અને પાકિસ્તાન દ્વારા વિવાદિત છે.

હુમલાઓ માટે પાકિસ્તાન, ચીન પર આરોપ
લગાવવાનું બંધ કરો : ચીની મીડિયા

ચીનના સ્ટેટ મીડિયાએ સોમવારે જણાવ્યું હતું કે, ભારતે પુલવામા હુમલા માટે પુરાવા વિના પાકિસ્તાન પર આરોપ લગાવવા તથા જૈશે મોહંમદના પ્રમુખ અઝહર મસૂદને યુએનની આતંકવાદી યાદીમાં સામેલ કરવાથી રોકવા માટે પુરાવા વિના ચીન પર આરોપ લગાવવાનું બંધ કરીને પોતાની આતંકવાદ વિરોધી નીતિઓ બદલવા પર ધ્યાન આપવું જોઇએ. સ્ટેટ મીડિયા અનુસાર અઝહર વિરૂદ્ધ મજબૂત પુરાવા આપવામાં ભારત નિષ્ફળ નિવડ્યુ છે અને તેને આતંકવાદી તરીકે જાહેર કરવા વિરૂદ્ધ ચીનની ચેતવણી યોગ્ય છે. ચીની મીડિયાએ અઝહર મુદ્દે ભારતને શાંત રીતે રાજદ્વારી નીતિઓ અપનાવવા સલાહ આપી હતી.

ભારતે શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસ સેવા અને LOC પરનો વેપાર બંધ કર્યો

પુલવામામાં સીઆરપીએફના ૪૦ જવાનોનો ભોગ લેનારા આત્મઘાતી હુમલાને પગલે ભારતે સોમવારે શ્રીનગરથી મુઝફ્ફરાબાદ વચ્ચેની ‘શાંતિ બસ’ સેવા બંધ કરી હતી. પૂંચના ડેપ્યુટી કમિશનર રાહુલ યાદવે કહ્યું કે, પુલવામા હુમલાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા અઠવાડિક એલઓસી બસ સેવા અને વેપારને હાલપુરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. એવા પણ અહેવાલો છે કે, આ બસ સેવા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે પરંતુ સત્તાવાર રીતે અન્ય કોઇ અહેવાલ સાંપડ્યા ન હતા. દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારે પીઓકે સાથેના વેપારને પણ રોકી દીધો છે. મંગળવારે થનારી સરહદી વેપાર પ્રવૃત્તિઓ શુક્રવારે થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાયલે રાજ્ય સરકારને વેપાર બંધ કરવાનો આદેશ આપ્યો હોવાનું મનાય છે. જમ્મુ-કાશ્મીરના દિવંગત મુખ્યમંત્રી મુફ્તિ મોહંમદ સઇદ દ્વારા ૨૦ જૂન ૨૦૦૬ના રોજ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ૧૫મી ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાનના મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને રદ કર્યો હતો જ્યારે રવિવારે કાશ્મીરના અલગતાવાદી નેતાઓ મીરવાઇઝ ઉમર ફારૂક, શબ્બીર શાહ, હાશિમ કુરેશી, બિલાલ લોન અને અબ્દુલ ગની ભટની સુરક્ષા પાછી ખેંચી લેવાઇ હતી.