(એજન્સી) નવી દિલ્હી તા.૮
હિંસક ટોળા દ્વારા થતી હિંસાના અનિષ્ટ સામે કામ લેવા ૭ જુલાઇના રોજ નવી દિલ્હી ખાતે કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં માનવ સુરક્ષા કાનૂનના(માસૂકા) મુસદ્દાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ.છેલ્લા કેટલાક મહિનામાં રાષ્ટ્રને ખળભળાવનારા ટોળા હિંસાની શ્રેણીબદ્ધ ઘટનાઓના પ્રતિસાદમાં તહેસીન પુનાવાલા, શેહલા રશીદ, કન્હૈયાકુમાર અને જિજ્ઞેશ મેવાની જેવા યુવા નેતાઓ દ્વારા સ્થાપવામાં આવેલ નેશનલ કેમ્પેન અગેઇન્સ્ટ મોબ લિંચિંગ દ્વારા આ કાયદાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
સુપ્રીમકોર્ટના સિનિયર એડવોકેટ સંજય હેગડેના વડપણ હેઠળ રચાયેલ માસૂકાની મુસદ્દા સમિતિમાં અનાસ તનવીર અને પ્રાંજલ કિશોરનો પણ સમાવેશ થાય છે.સૂચિત કાયદાનો હેતુ હિંસાનો ભોગ બનતા લોકોને અસરકારક રક્ષણ પૂરુ પાડવાનો , જાહેરમાં હિંસક ટોળા દ્વારા થતી હત્યા માટે શિક્ષા કરવાનો અને પિડીતો તેમજ તેમના પરિવારોના પુનર્વસન અને વળતરની જોગવાઇ કરવાનો સમાવેશ થાય છે.
મુસદ્દા અનુસાર જાહેરમાં કતલ કરવી તેની વ્યાખ્યા કઇક આ મુજબ આપવામાં આવી છે.હિંસાનું કૃત્ય કે શ્રેણીબદ્ધ કૃત્યો તે પછી સ્વયંસ્ફુરીત હોય કે સુયોજિત હોય જે અદાલતની બહાર શિક્ષા કરે અને કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથ પર ટોળાની ઇચ્છા દ્વારા કાનૂની ,સામાજિક અને સાંસ્કૃતિક ધોરણો-પૂર્વાગ્રહો લાદવા અને તે માટે વિરોધમાં હિંસા આચરવી તેને માનવ સુરક્ષા કાનૂનમાં ટોળા હિંસા તરીકે વ્યાખ્યા આપવામાં આવી છે. આ પ્રસંગે બોલતા બી આર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યુ હતુ કે મનુસ્મૃતિની સંસ્કૃતિ પુનર્જીવિત કરવામાં આવી રહી છે તેથી ટોળા હિંસા શું છે તેની વ્યાખ્યા આપવી જરુરી બન્યુ છે.અમે ટોળા હિંસા સામે લડવા બંધારણીય પદ્ધતિનો ઉપયોગ કરીશુ.જો સરકાર આ વિધેયકને સમર્થન આપશે અને સંસદ તેને પાસ કરશે તો રાષ્ટ્રમાં એવો સંદેશો જશે કે સરકાર ટોળા હિંસાને સાખી લેશે નહીં એવુ પ્રકાશ આંબેડકરે જણાવ્યુ હતુ.