(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
શહેરના પાંડેસરાના વડોદ ગામ પાસેની ઝાડીમાંથી ચાર વર્ષની અજાણી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે બાળકીની ઓળખ થાય તે માટેના પ્રયાસો હાથ ધરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે વડોદ ગામની સીમમાં બાવળની ઝાડીમાંથી એક અજાણી બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકીના શરીર ઉપર પીળા કલરનો ફ્રોક અને ગુલાબી કલરની કેપ્રી પહેરેલ છે. બાળકીના શરીર ઉપર મારના નિશાન દેખાય છે. સ્થાનિક લોકોએ બાળકીનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે માસૂમ બાળકીની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. પીએમ થયા બાદ જ બાળકીનાં મોતનું સાચુ કારણ જાણવા મળશે. હાલના તબક્કે બાળકીના શરીર ઉપર મારના નિશાન દેખાતા તેની સાથે મારઝૂડ કરવામાં આવી હોવાની શક્યતા છે. માસૂમ બાળકી સાથે મારઝૂડ કરી તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. પાંડેસરા પોલીસે વડોદ ગામની આજુબાજુની સોસાયટીઓમાં માસૂમ બાળકીનો ફોટો બતાવીને તેણીની ઓળખ માટેના પ્રયાસ શરૂ કર્યા છે. ચાર વર્ષની માસૂમ બાળકી અંગે કોઈને કાંઈ માહિતી હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હાલ માસૂમ બાળકીની હત્યાની આશંકાના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.