(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
શહેરના વડસર બ્રિજ પર એકટીવા બપોરે માતા-પુત્રને હાઇડ્રાનાં ચાલકે અડફેટમાં લેતા માસુમ બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના વડસર બ્રિજ નજીક અક્ષર રેસીડેન્સીમાં રહેતા સંજય શાહુના પત્ની આજે બપોરે ૧૨ વાગ્યાનાં અરસામાં માંજલપુર સ્થિત અંબે સ્કુલમાં અભ્યાસ કરતાં સાડા ચાર વર્ષનાં પુત્ર અનયરિતીકને લેવા માટે લેવા ગયા હતા. પુત્રને લઇને માતા એકટીવા પર ઘર તરફ જઇ રહ્યાં હતા. તે વખતે વડસર બ્રિજ પાસેથી પસાર થતી વખતે હાઇડ્રાનાં ચાલકે એકટીવાને અડફેટમાં લેતા માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. હાઇડ્રાના પાછળનું વ્હીલ માસુમ બાળકનાં માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે માતાની નજર સામે મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો. બનાવની જાણ માંજલપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.