(એજન્સી) તા.૧૭
રાતના સાડા ચાર વાગ્યા હતા છતાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ બિલ્ડીંગની આસપાસ ઢોલત્રાસા વાગતા હતા કે જ્યાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી હતી. ૨૪ કલાકથી ચાલતા હાઇ ડ્રામા બાદ પણ વિદ્યાર્થી છાવણીઓમાં નારાબાજી બંધ થતી ન હતી અને ડાબેરીઓ તેમજ એબીવીપી બંને સરખા બુલંદ અવાજે નારાબાજી કરી રહ્યા હતા. મત ગણતરી ૧૪ સપ્ટે.મોડી રાત્રે શરુ થઇ હતી જે ૧૫ સપ્ટે.ની વહેલી સવારે સ્થગિત કરવામાં આવી હતી કારણકે ABVPના કેટલાક કાર્યકરોએ મત ગણતરી કેન્દ્રોમાં ઘૂસવાનો પ્રયત્ન કરીને ચૂંટણી સમિતિના કેટલાક સભ્યો પર હુમલો કર્યો હતો. ચેરપર્સન હિમાંશુ કુલક્ષેત્રના જણાવ્યા પ્રમાણે ABVPના સભ્યોએ ચૂંટણી સમિતિના સભ્યો પર હુમલો કર્યો હતો અને મતપેટીઓ તેમજ મત પત્રકો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. સામે પક્ષે ABVPએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમના ચૂંટણી એજન્ટને ચૂંટણી સમિતિ દ્વારા મત ગણતરી પહેલા બોલાવવામાં આવ્યા ન હતા અને જેએનયુ વિદ્યાર્થીસંઘના બંધારણનો ભંગ થયો હતો. આ હિંસાને કારણે હરીફ વિદ્યાર્થી જૂથો વચ્ચે અને ચૂંટણી સમિતિ વચ્ચે ૧૫ કલાકની મડાગાંઠ સર્જાઇ હતી અને ચૂંટણી સમિતિએ ABVP પાસેથી બિનશરતી માફીની માગણી કરી હતી. આખરે ૧૫ સપ્ટે.ની સાંજે મત ગણતરી શરુ થઇ હતી અને પ્રારંભિક પ્રવાહમાં ડાબેરીઓ આગળ હતા. પોતાના સાથી વિદ્યાર્થીઓ પર હુમલાનો આક્ષેપ કરીને જેએનયુ વિદ્યાર્થીસંઘના પ્રમુખ ગીતાકુમારીએ જણાવ્યું હતું કે તેમને ‘બેલ્ટ અને બ્લેડ’થી કેટલાક અજાણ્યા ચહેરાઓએ ધમકી આપી હતી. ગીતાકુમારીના આ દાવાને રદિયો આપતા ABVP જેએનયુના પ્રમુખ વિજયકુમારે એવો આક્ષેપ કર્યો હતો કે હિંસા અંંગે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. ડાબેરીઓનું આ એક કાવતરું છે.
વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામો બાદ JNUમાં
ABVP અને ડાબેરી જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
જવાહરલાલ નહેરૂ (જેએનયુ) વિદ્યાર્થી સંઘ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સોમવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ અને અથડામણ થઈ હતી. જેએનયુ સ્ટુડેન્ટ યુનિયનના નવા વિદ્યાર્થી અધ્યક્ષ સાઈ બાલાજીએ આરોપ લગાવ્યો કે, રવિવારે રાતે એબીવીપીના કેટલાક વિદ્યાર્થીઓએ બીજા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો, ઘટના બાદ તેઓને સતલજ હોસ્ટેલમાં બોલાવવામાં આવ્યો. બાલાજીએ કહ્યું કે, અધ્યક્ષ હોવાને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. જેથી હું ત્યાં પહોંચ્યો તો જોયું કે ત્યાં હોબાળો મચેલો છે. બાલાજીએ કહ્યું કે, સૌરભ શર્માની આગેવાનીના વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને મારી રહ્યા હતા. અહિંયા સુધી કે લાકડીઓ પણ તેમના હાથમાં હતી. જ્યારે એનાથી ઉલટ એબીવીપીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે, આઈસાના કાર્યકર્તાઓએ તેમના સભ્યો સાથે મારપીટ કરી છે. ત્યાં જ બાલાજીએ કહ્યું કે જેએનયુએસયુ અધ્યક્ષ ગીતા કુમારી, અને અન્ય વિદ્યાર્થીઓ તરફથી હિંસા રોકવાના પ્રયાસ બાદ સૌરભ ધમકી આપવા લાગ્યો. બાલાજીએ કહ્યું કે, હોસ્ટેલ પર હાજર રહેલ ભીડે ધમકી આપી અને ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓએ પીસીઆઈ વાહનની અંદર બેસવા કહ્યું. ત્યારબાદ ટોળાંની આગેવાની કરી રહેલા આશુતોષ મિશ્રા અને સૌરભ શર્મા પીસીઆર વાહનને રોકી દીધી અને એબીવીપીના વિદ્યાર્થી મારી પાસે આવીને બેસી ગયા. પીસીઆરમાં બેસયા બાદ વિદ્યાર્થીઓ વારંવાર ગાડી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને મને ધમકી આપી રહ્યા હતા. બાલાજીએ આરોપ લગાવ્યો છે કે પીસીઆર વાનની અંદર જ તેમના પર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થી ઘટનાની ફરિયાદ લઈ જેએનયુ ગેટ પર ભેગા થયા. ત્યાં જ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના પોલીસ ઉપાયુક્ત દેવેન્દ્ર આર્યએ કહ્યું કે આશરે રાતે ૩ વાગે અમને સૂચના મળી ત્યારબાદ વિશ્વવિદ્યાલયના અધિકારી અને પ્રોફેસરો સાથે ચર્ચા કરી, ફરિયાદ મળી છે તેના આધારે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
Recent Comments