(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા. ૬
મહીસાગર જિલ્લા ના મુખ્ય મથક લુણાવાડાથી ૧૦ કિમીના અંતરે આવેલ હાડોડ ગામે થી અંદાજીત નવથી દસ માસનું બાળક મળી આવતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જેથી બાળકને લેવા માટે ૧૦૮ હાડોડ પહોંચી હતી. ત્યાં હાજર સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ના કર્મચારીને જણાવવામાં આવ્યું હતું કે, થોડા દિવસ પહેલા આ બાળકની માતા અન્ય કોઈ ઈસમ સાથે ભાગી ગઈ હતી. આજરોજ હાડોડ ખાતે લોકચાર હોવાથી આ બાળક તેના પિતા લઈને આવ્યા હતા. જે બાળકને સુમસામ જગ્યા પર એકલું મૂકી તેના પિતા છોડીને જતા રહ્યા હતા. ૧૦૮ના કર્મચારી દ્વારા બાળકને લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં બાળકની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. તેમજ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર બી.કે. પાટીદાર દ્વારા બાળક મળી આવ્યાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ૧૦૮ના કર્મચારી રાહુલ શ્રીમાળીએ પણ તેની માતા જતા રહ્યા બાદ તેના પિતા બાળકને રઝળતું મૂકી જતા રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે, માતા-પિતા વચ્ચેબાળકનો શું વાંક ? માતા અન્ય જગ્યાએ જતી રહી અને પિતા જો બાળકને તરછોડશે તો આખરે બાળક નું કોણ ? ક્યાં જશે બાળક ?
ત્યારે સરકારી દવાખાનાના સત્તાધીશો દ્વાર પોલીસને જાણ કરાતા પોલીસે આ બાળક ક્યાં નું છે અને કોણ છે માતા અને પિતા ? તેની તપાસ હાથ ધરી છે.