જામનગર તા.૨૨
જામનગરના પાર્ક કોલોનીમાં આવેલા મોટર હાઉસ નજીક રહેતા મયાબા જીવુભા ગોહિલ (ઉ.વ.૭૮) તથા તેઓના પુત્રી મનિષાબેન જીવુભા ગોહિલ (ઉ.વ.૪૨) અને તેમના અન્ય પરિવારજનો ગઈકાલે અધિક માસ નિમિત્તે દ્વારકામાં જગત મંદિરે ધ્વજારોહણના યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે ગોમતી નદીમાં સ્નાન માટે ઉતર્યા હતા.
આ વેળાએ દરિયામાં એકાએક ભરતી આવતા તેના મોજા ગોમતી નદીમાં પ્રવેશી ગયા હતા અને એક જબરા મોજાએ માતા તથા પુત્રી મનિષાબાને પોતાની સાથે દરિયા તરફ ખેંચ્યા હતા જેના પગલે માતા-પુત્રીએ ચીસો પાડતા કાંઠા પર હાજર કેટલાક સ્થાનિક તરવૈયાઓ નદીમાં કૂદ્‌યા હતા તેઓએ માતા-પુત્રી સુધી પહોંચવાના ભરચક્ક પ્રયત્નો કર્યા હતા, પરંતુ મતા તથા મનિષાબા દરિયાનાં ઉંડાણ તરફ ખેંચાઈ ગયા હતા.
સ્થાનિક તરવૈયાઓ અને ફાયરના જવાનોએ માતા-પુત્રીની શોધ શરૂ કરી હતી તે પછી લાંબી શોધખોળના અંતે દરિયાઈ ભાગમાંથી માતા તથા મનિષાબા બેશુદ્ધ હાલતમાં સાંપડયા હતા જેઓને બહાર કાઢી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ બન્નેને મૃત્યુ પામેલા જાહેર કરતા શોકનું મોજું પ્રસરી ગયું છે.