વડોદરા, તા.૧૪
શહેરના લાલબાગ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની સગીર દીકરી તેના બોયફ્રેન્ડના ઘરે રહેવા જતી રહી હતી. જેને પગલે ચિંતાતુર થયેલી માતાએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ નંબર પર ફોન કરી મદદ માગી હતી. જેને પગલે અભ્યમની ટીમ ત્યા ંપહોંચી ગઈ હતી. જ્યાં અભ્યમની ટીમે સગીરા ઉપરાંત યુવકના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી તેને તેની માતા પાસ પરત મોકલી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના લાલબાગ વિસ્તારમાં વિધવા મહિલા શાંતાબેન તેની ૧૬ વર્ષની દીકરી સોનમ (બંનેના નામ બદલ્યા છે) સાથે રહે છે. સોનમને તેની સાથે અભ્યાસ કરતા પાર્થ સાથે મિત્રતા થતાં અવારનવાર તેના ઘરે આવતી-જતી હતી. જો કે, થોડા દિવસ અગાઉ સોનમ તેના બોયફ્રેન્ડ પાર્થના ઘરે ગયા બાદ ત્યાં જ રહેવા લાગી હતી.
પોતાની સગીર દીકરી કોઈ અન્ય યુવકના ઘરે રહેવા જતી રહી હોવાની જાણ માતા શાંતાબેનને થતા તેમના માથે આભ તૂટી પડ્યું હતું. તેઓ પુત્રીને લેવા માટે પાર્થના ઘરે ગયા હતા. ત્યારે સોનમે પોતે અહીં જ રહેવા માગે છે અને પરત આવવા માગતી નથી, તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત પાર્થના પરિવારજનોએ પણ કહ્યું હતું કે, પાર્થને સોનમ ગમે છે, તેથી તેમના લગ્ન કરવા પડશે. શાંતાબેને દીકરીને સમજાવવા છતા તે ટસની મસ ન થતા આખરે નિરાશ થઈને શાંતાબેને મદદ માટે મહિલા હેલ્પલાઈન ૧૮૧ ઉપર સંપર્ક કર્યો હતો.કોલ મળતા અભ્યમની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. અભ્યમની ટીમે ત્યાં પહોંચી જઈને સોનમને સમજાવતા કહ્યું હતું કે, હજુ તારી ઉંમર માત્ર ૧૬ વર્ષની જ છે. તારે હજુ વધુ ભણવાની જરૂર છે, જેથી કારકિર્દી બની શકે. તારી ઉંમર પુખ્ત થાય તે પછી જ લગ્ન થઈ શકે.
બીજી તરફ પાર્થના પરિવારજનોને પણ જણાવ્યું હતું કે, આ બંને હજુ નાદાન અને સગીર વયના છે. તમારે આ અંગે વિચાર કરવો જોઈએ. આ ઉંમરે તો તેમણે અભ્યાસમાં મન પરોવવું જોઈએ. આ ઉપરાંત કાયદાકીય રીતે પણ બંનેના લગ્ન હાલમાં શક્ય નથી. તેમજ બાળ લગ્ન એ ગુનો ગણાય છે. બંને જણા પુખ્ત થાય તે પછી તેમના લગ્ન શક્ય બને. આખરે સોનમ અને પાર્થના પરિવારજનોને સમજાયું હતું કે, હાલમાં અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. આ ઉંમર લગ્ન કરવાની નથી અને સોનમ તેના ઘરે પરત ફરતા તેની માતાને પણ રાહત થઈ હતી.