ખેડા/નડિયાદ, તા.રર
ખેડા જિલ્લાના માતરમાં ઈદેમિલાદની પૂર્વ રાત્રિના ખોખા બજારમાં આવેલ દરગાહ પરથી ઈદેમિલાદના પર્વ નીમિત્તે લગાવવામાં આવેલ ઝંડો ફાડી સળગાવી નાખવાની ઘટના બાદ શહેરમાં કોમી તોફાન ફાટી નિકળ્યું હતું. બંને કોમના લોકો આમને-સામને આવી ગયા હતા. દુકાનોને આગ ચાપી લૂંટફાટ કરવામાં આવી હતી. જો કે પોલીસે હાલમાં એક તરફી ફરિયાદ લઈ ૭ જેટલા લઘુમતી કોમના યુવકોની ધરપકડ કરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માતરમાં ચોખા બજારમાં હઝરત સિરાજબાવાની દરગાહ આવેલ છે. આ દરગાહ પર ઈદેમિલાદના પર્વની ઉજવણીના ભાગ રૂપે ધાર્મિક ઝંડો મુસ્લિમો દ્વારા લગાવવામાં આવ્યો હતો. જે કેટલાક કટ્ટરવાદી તત્વોએ ઉતારીને ફાડી-તોડી સળગાવી નાખતા આ વાતને લઈ માતરમાં ગરમાગરમી જોવા મળી હતી. અને તેના પગલે કોમી તોફાન ફાટી નિકળ્યું હતું. બંને કોમના ટોળેટોળા ભેગા થઈ આમને સામને આવી ગયા હતા અને તલવાર, લાઠી, ધારિયા જેવા હથિયારોથી સજ્જ થઈ એક-બીજા પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. માતર પોલીસે દોડી જઈ સ્થિતિ કાબુમાં લીધી હતી.
આ બનાવ અંગે માતર પોલીસને રાજકુમાર મનુભાઈ ઠાકોરની ફરિયાદના આધારે ૧૧ મુસ્લિમો તેમજ ર૦૦ના ટોળા સામે રાયોટીંગ તેમજ જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો નોંધી ૭ની ધરપકડ કરી છે અને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા રિમાન્ડ નામંજૂર થતા તેમને કોર્ટ કસ્ટડીમાં મોકલી દીધા હતા.આ આખા તોફાનમાં શાંતિમાં પલિતો ચાંપવાનું કામ મુઠ્ઠીભર કટ્ટરવાદીઓએ કર્યું છે. તેવું જાગૃત લોકો જણાવે છે.
બીજી બાજુ એવી પણ માહિતી બહાર આવી છે કે મુસ્લિમ અગ્રણી અલ્તાફભાઈ આ બાબતે ફરિયાદ આપવા ગયા તો તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી તેમની સામે ગુનો નોંધી દીધો છે જેથી બીકના માર્યા લઘુમતીઓ ફરિયાદ કરવા ગયા નથી.
આજે માતર પોલીસમાં માતરમાં રહેતા ઈદ્રીશમીયા પીરસાબમીયા મલેકે લેખિત ફરિયાદ આપી છે પરંતુ પોલીસે આ લખાય છે ત્યાં સુધી અરજી-તરીકે લીધી છે હજી એફ.આઈ.આર. ફાડી નથી, ઈદ્રીસમીયાએ કુલ ૧૪ સામે નામ જોગ વિગતો લખી છે. જેમાં બજરંગદળ તથા વિશ્વહિન્દુ પરિષદના હોદ્દેદારોએ માતરમાં ઈદેમિલાદ ન મનાવાય તે માટે ખોેખા બજારમાં ત્રિસુલ ધારિયા લઈ આવી દંગલ કરી, દુકાન-ગલ્લાને આગ ચાંપી લૂંટ કરી હોવાની વિગતો દર્શાવી છે.
અંતે માતર પોલીસે મુસ્લિમ સમાજની ફરિયાદ સ્વીકારી
માતર ખાતે બનેલા ક્રોસ બનાવ અંગે માતર પોલીસે લઘુમતી સમાજની ફરિયાદ સ્વીકારી લીધી છે.
અત્રે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર માતર ખાતે થયેલ કોમી રમખાણની પોલીસ ફરિયાદ માતરના અગ્રણી ઈદ્રીશભાઈ પીરસાબમીયા મલેકની વિશ્વહિન્દુ પરિષદ, બજરંગદળ તેમથ આર.એસ.એસ.ના જે કાર્યકરો તોફાનમાં સંડોવાયેલા હતા તમામ વિરૂદ્ધ નામ સાથે ફરિયાદ સ્વીકારી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આવી છે.