નવી દિલ્હી, તા.ર૬
ભારત-શ્રીલંકા વચ્ચે ગાલે સ્ટેડિયમમાં ગત વર્ષ જુલાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ ફીક્સ હતી. આ દાવો ટીવી ચેનલ અલ-જઝીરાએ કર્યો છે. જેના કારણે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. આ ચેનલે ક્રિકેટમેચ ફિક્સર્સ નામથી એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે. આ ડોક્યુમેન્ટ્રીને રવિવારે રાત્રે ૧૦ વાગ્યાથી ઓનલાઈન જોઈ શકાશે. તેમાં ખુલાસો થશે કે કેવી રીતે ફિક્સર્સ કોઈપણ મુકાબલામાં પોતાની મરજી મુજબના પરિણામ માટે ગ્રાઉન્ડમેનને લાંચ આપી પિચ સાથે ટેમ્પરીંગ કરે છે.
રિપોર્ટસ અનુસાર આ ડોક્યુમેન્ટ્રીમાં મહારાષ્ટ્ર તરફથી પ્રથમ કક્ષાની મેચ રમી ચૂકેલા રોબિન મોરિસ દાવો કરતો દેખાઈ રહ્યો છે કે તેણે ગાલેમાં ગ્રાઉન્ડમેનને પિચ સાથે છેડછાડ કરવા માટે પૈસા આપ્યા હતા. જ્યારે ગાલે સ્ટેડિયમના આસિસ્ટન્ટ મેનેજર અને ગ્રાઉન્ડમેન થિરંગા ઈંડિકા કહેતા દેખાઈ રહ્યા છે કે તે પિચને મરજી મુજબની તૈયાર કરી શકે છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે પિચને ડ્રો માટે બનાવી શકે છે તો તેઓ આ અંગે કહે છે હા મે એક સપ્તાહ પહેલા જ આ વાતનું સમર્થન કર્યું હતું.
થિરંગા આગળ જણાવે છે કે તેમણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પણ મેચમાં પિચને બોલરોને માફક આવે તેવી તૈયાર કરી હતી તે ટેસ્ટમાં અમે થોડી ખરાબ પિચ તૈયાર કરી હતી. રોલરનો ઉપયોગ કર્યો ન હતો અને સ્પિન વિકેટ બનાવી હતી. અલ-જઝીરાના સ્ટિંગ ઓપરેશનમાં બતાવવામાં આવ્યું છે કે બુકીઓએ આ મેચની પિચને ફિક્સ કરવા માટે પિચ ક્યુરેટરને ૩૭૦૦૦ ડૉલરની લાંચ આપી હતી. સ્ટિંગ ઓપરેશનમાં જે લોકોની સંડોવણીની વાત કહેવામાં આવી છે તેમાં મુંબઈનો એક બુકી પણ સામેલ છે. ભારતે આ ટેસ્ટ મેચ ૩૦૪ રનથી જીતી હતી.