અમદાવાદ, તા.ર૮
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર છે. અમદાવાદ જિલ્લામાં ૧૪મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાય છે. અમદાવાદ શહેરમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા માનવ-સાંકળ રચવામાં આવી હતી. શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે શહેર-જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલી આ માનવસાંકળમાં ર૦૦૦થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર શ્રીમતિ અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સમગ્ર જિલ્લા ચૂંટણી અને વહીવટીતંત્રએ અનેક કાર્યક્રમો યોજ્યા છે. જાગૃતિ રેલી-શેરી નાટકો, સાઈકલ-બાઈક રેલી, વિકલાંગ મતદારોને માર્ગદર્શન-વીવીપેટ અંગે માર્ગદર્શન, રંગોળી સ્પર્ધા, વોટોત્સવ એન્થમ જેવા અનેક પ્રયાસોને શહેરીજનોએ આવકાર આપ્યો છે. શહેર-જિલ્લાના મતદારો-યુવા મતદારો અને જે પ્રથમ વખત મતદાન કરવાના છે એવા મતદારોને પણ આકર્ષવા કામગીરી કરાઈ છે. આ પ્રયાસોમાં શિક્ષકોનો સહયોગ પ્રશંસનીય રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
સમગ્ર વિસ્તાર ‘આપણો મત આપણો અધિકાર, વોટ કરીશું વટથી’ ‘યુવા મતદાતા ભાગ્યવિધાતા જેવા નારાથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે માનવ-સાંકળમાં સહભાગી તમામ શિક્ષકોએ મતદાનની અપીલ કરતાં પેમ્ફ્લેટ નિદર્શન કર્યા હતા.
આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શ્રીમતિ ભારતીબા વાઘેલા, શિક્ષણાધિકારીઓ, શિક્ષકો નગરજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.