ડીસા, તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે થોડા દિવસો બાકી છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. લોકો વધુને વધુ મતદાન કરી શકે અને પ્રથમ વખત વીવીપેટનો ઉપયોગ થવાનો હોય તે અંગેની જાણકારી મળે તે માટે ડીસા વિધાનસભામાં ચૂંટણી અધિકારી દ્વારા આજરોજ રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને લોકોની ઉપસ્થિતિમાં ઇવીએમ અને વીવીપેટનું નિદર્શન તેમજ આચારસંહિતા અંગેની સમજ અપાઇ હતી.
ડીસા વિધાનસભાના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર જીતેન્દ્ર વદર દ્વારા આજે પ્રાંત કચેરી ખાતે ચૂંટણી આચાર સહિતા અને વીવીપેટ તેમજ ઇવીએમ અંગે નિદર્શન બેઠક બોલાવાઈ હતી. જેમાં ભાજપ બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ અનાવાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશોક પટેલ, ચેતન ત્રિવેદી, ડીસા કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ ,લોકસભા યુથ પ્રમુખ સંજય દેસાઇ, શિવસેનાના ઉત્તર ગુજરાતના પ્રમુખ કમલેશ ઠક્કર, આપ પાર્ટીના ઉત્તર ગુજરાતના સંયોજક ભેમાભાઇ ચૌધરી સહિત દરેક રાજકીય પક્ષોના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ચૂંટણી અધિકારી દ્વારા આ વખતે પ્રથમ વખત ઇવીએમની સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ થવાનું હોય તેનું નિદર્શન કર્યું હતું. વીવીપેટ માં મતદાર મત આપ્યા બાદ ૭ સેકન્ડ સુધી કોને મત આપ્યો તે ડિસ્પ્લેમાં જોઈ શકશે જો કોઇ મતદાર વીવીપેટ અંગે વાંધો ઉઠાવે તો ફરીથી પોલિંગ ઓફિસર અને પોલિંગ એજન્ટ રૂબરૂમાં તેને ફરીથી મત આપવા દેવામાં આવશે .ત્યારબાદ તેણે અગાઉ આપેલા મતની ચકાસણી કરવામાં આવશે.જો મતદાર વીવીપેટને ખોટું ઠેરવી ન શકે તો પચાસ હજાર રૂપિયા દંડની જોગવાઈ ચૂંટણીપંચ દ્વારા કરાઇ છે. આ પ્રકારની માહિતી તેમજ રાજકીય પક્ષોને તેમની સભા રેલી બેઠકો વગેરે માટે પરમિશન લેવા સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરાઈ હોવાનું પણ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું .ભાજપ સિવાય તમામ પાર્ટીના આગેવાનોએ મતદારને રૂ. ૫૦,૦૦૦ દંડની વાત એક પ્રકારની ધમકી ગણાવી હતી. કોઈપણ વ્યક્તિને વીવીપેટ અંગે કે ઈવીએમ અંગે કંઈપણ ગેરસમજ ન રહે તે માટે ચૂંટણી અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ડીસા વિધાનસભામાં નિદર્શન માટે ૨૦ મશીન ફાળવા હોય ગામેગામ તેનું નિદર્શન કરાશે અને વધુને વધુ લોકો તેમજ પ્રથમ વખત મત આપતા યુવા મતદારો પણ તેનાથી જાગૃત થાય તે અંગે વધુને વધુ લોકોને જાગૃત કરવા ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો હતો.