અમદાવાદ,તા.૪
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કલેકટર કચેરી દ્વારા શરૂ કરવામાં આવી છે. સમગ્ર જુલાઈ માસ દરમ્યાન ખાસ ઝુંબેશમાં ત્રણ રવિવાર દરમ્યાન પોતાના મતદાન મથકમાં ક્ષતિ સુધારણા કરી શકાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧થી ૩૦ જુલાઈ દરમ્યાન મતદાર યાદીની વિગતોની ચકાસણી કરવાનો વિશેષ કાર્યક્રમ હાથ ધર્યો છે. જેમાં બીએલઓ દ્વારા ઘરની મુલાકાત દરમ્યાન પિતા-પતિના નામ, અટક, સંબંધ, જન્મ તારીખ, ફોટો ઘર નંબરમાં ક્ષતિ હોય તો જરૂરી આધાર પુરાવા આપી સુધારા કરી શકાશે. જયારે ઘરના ૧૮ વર્ષના ઉપરના વ્યકિતની માહિતી પુરી પાડવી નવા સભ્યનું નામ ઉમેરવું સ્થળાંતર કરેલ હોય અથવા અવસાન પામેલી વ્યકિતનું નામ કમી કરાવવા સહિત ડુપલીકેટ મતદાર કાર્ડ મેળવવા માટે તા.૯-૧૬ અને ર૩ જુલાઈ એમ ત્રણ રવિવાર દરમ્યાન સંબંધિત મતવિસ્તારના મતમથકોએ જરૂરી ફોર્મ અને આધાર પુરાવા રજૂ કરવાથી ૧૦થી ૬ કલાક દરમ્યાન મતદાર યાદીમાં સુધારા કરી શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે આજે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧લી જુલાઈ, ર૦૧૭ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં ર૭,૦ર,૭૭૦ પુરૂષ મતદારો તથા ર૪,૩૬,૯૭૪ મહિલા મળી કુલ પ૧,૩૯,૮૪૬ મતદારો છે. અંદાજે ૭થી ૮ હજાર બીએલઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ગ્રામસભા/ શહેરી સ્થાનિક સંસ્થાઓ અને નિવાસી કલ્યાણ સંઘોની મીટિંગમાં કામગીરી હાથ ધરવામાં આવશે. જેની ફોટાવાળી આખરી મતદાર યાદી રપ-૯-ર૦૧૭ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.