(એજન્સી) હૈદરાબાદ, તા.૩૦
હૈદરાબાદ સ્થિત સોફ્ટવેર એન્જીનીયર ખાલિદ સૈફુલ્લાહે એવો દાવો કર્યો છે કે આશરે ૩ કરોડ મુસ્લિમો અને ચાર કરોડ દલિતો સહિત ૧૨.૭ કરોડ યોગ્ય મતદાતાઓના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે. મતદાર યાદીમાંથી ગાયબ મોટાભાગના મતદાતાઓ પાસે કાયદેસર આઇડી કાડ્‌ર્સ છે પરંતુ કોઇ કુચેષ્ટા કે અજાણતાને કારણે આ મતદાતાઅના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે. તેમણે એવું પણ કહ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણી શરૂ થવામાં આપણી પાસે હજી ૧૨ દિવસનો સમય છે અને આ સમયગાળા દરમિયાન યોગ્ય ઉમેદવારો તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. સૈફુલ્લાહના અભ્યાસ મુજબ ચાલુ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં ૨૫ ટકા મુસ્લિમો અને ૨૦ ટકા દલિતો સહિત દેશમાં ૧૫ ટકા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનું અમે શોધી કાઢ્યું છે. લોકસભાની આગામી ચૂંટણીઓમાં બધા યોગ્ય મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે, તેની ખાતરી કરવા માટે રેલેબ્સના ૩૮ વર્ષીય સીઇઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. સૈફુલ્લાહે ‘મિસિંગ વોટર એપ’ બનાવી છે. આ એપ મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા માટે હજારો લોકોની મદદ કરી રહી છે. સૈફુલ્લાહે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લાખો મુસ્લિમ મતદાતાઓના નામ છેકી નાખવામાં આવ્યાની બાબત ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન તેમના ધ્યાનમાં આવી હતી. આ બાબતને કારણે તેમણે ગુજરાતમાં અભ્યાસ કર્યો હતો. ગુજરાતમાં ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ઓછામાં ઓછા ૧૬ વિધાનસભા મતવિસ્તારોની મતદાર યાદીઓમાંથી લાખો મુસ્લિમોના નામ ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા. આ મતવિસ્તારોમાં ભાજપના ઉમેદવારો ૩૦૦૦ મતોની નજીવી સરસાઇથી ચૂંટણીમાં વિજયી જાહેર થયા હતા. તેમણે એવું પણ કહ્યું કે હું જ્યારે મતદાર યોદીઓનું વિશ્લેષણ કરી રહ્યો હતો ત્યારે મેં શોધી કાઢ્યું હતું કે ગોધરામાં ૧૮૦૦થી વધુ ઘરોમાંથી એક જ મતદારનું નામ રજીસ્ટર્ડ વોટર તરીકે હતું. શું આ શક્ય છે ? એવું પૂછતા તેમણે કહ્યું કે તો બાકીના મતદારો ક્યાં ગયા ?