અમદાવાદ,તા.૧૪
શહેરના રામોલ વિસ્તારમાં ગઇ કાલે લાકડા ગેંગના કુખ્યાત લોકોએ એક ઓફિસમાં ઘૂસીને ફાઇનાન્સર પર ધારદાર હથિયારો વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાતે લાકડા ગેંગ દ્વારા ખેલાયેલા આ લોહિયાળ ખેલમાં ફાઇનાન્સરને આડેધડ તલવાર અને છરીના ઘા ઝીંકીને ૪૦ હજાર રૂપિયાની લુંટ ચલાવી હતી.સીટીએમ વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા અને સિંધવાઇનગરમાં આવેલ સુભાષ કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સની ઓફિસ ધરાવતા નવનીત હીરાલાલ સોનીએ રામોલ પોલીસ સ્ટેશનમાં લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ૬ લોકો વિરુદ્ધમાં હત્યાની કોશિશ તેમજ ધાડની ફરિયાદ કરી છે. રાતે નવનીત અને તેમનો મિત્ર ઓફિસમાં બેઠા હતા તે સમયે કાર અને બાઇક પર ધારદાર હથિયાર લઇને લાકડા ગેંગના સભ્યો આવી પહોંચ્યા હતા. લાકડા ગેંગ ચલાવનાર યોગેશ દદ્દા, અરુણ ચૌહાણ, અભિષેક રાજપૂત, નિખિલ કાંચો, અર્જુન મદ્રાસી અને સરદારસિંગ રાજપૂતે નવનીતની ઓફિસમાં ઘૂસીને તેના પર હિંસક હુમલો કરી દીધો હતો.તમામ લોકો તલવાર અને છરા લઇને આવ્યા હતા. નવનીત કંઇ પણ સમજે તે પહેલાં તેના પર હુમલો કરવાનો શરૂ કરી દીધો હતો. તમામ લોકોએ આડેધડ તલવાર અને છરાના ઘા નવનીત પર હુલાવીને તેને લોહીલુહાણ કર્યો હતો અને ત્યારબાદ ૪૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. નવનીતને છોડાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર ઉપર પણ તમામ લોકોએ હુમલો કરી દીધો હતો.