(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
સુરતમાં ચાલી રહેલા હત્યાના સીલસીલા વચ્ચે ડિંડોલીમાં એક યુવકને રહેંશી નંખાયા બાદ મંગળવારની મોડી રાત્રિએ સુરતના નવા કમેલા વિસ્તારી રેલ્વેની હદમાં માથાભારે ફારૂક ઉર્ફે વાનની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી સુરતમાં વધુ એક વખત હત્યાના બનાવોનો સીલસીલો ચાલુ થયો છે. જે મંગળવારે પણ યથાવત રહેવા પામ્યો હતો. ડિંડોલીના માનસી રેસિડેન્સી પાસે અભિષેક વાનખેડેની કરપીણ હત્યા બાદ નવા કમેલા વિસ્તારમાં માથાભારે ગણાતા એવાં ફારૂક ઉર્ફે વાનને રાત્રિ દરમ્યાન તેના ચારથી પાંચ મિત્રોએ દારૂ પિવડાવ્યા બાદ તેને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંશી નાંખ્યો હતો. મંગળવારની મોડી રાત્રિએ કમેલા દરવાજા વિસ્તારમાં રેલ્વેની હદમાંથી ફારૂકની લાશ મળી આવતા રેલ્વે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ફારૂક ઉર્ફે વાનને તેના હત્યારા મિત્રોએ પુણા વિસ્તારમાં દારૂ પિવડાવ્યા બાદ ત્યાં તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેઓ લાશને નવા કમેલા પાસેના રેલ્વે ટ્રેક પર ફેંકી નાસી છુટ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રેલ્વે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.