(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૨
કરમસદની ઈન્દીરાનગરીનાં રહીસોનો પાણી વેરો બાકી પડતો હોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી પાણી પુરવઠો અટકાવી દેવાતા સ્થાનિક મહિલાઓ પીવાનાં પાણી માટે ભારે હાલાકી અનુભવી રહી છે,અને મહિલાઓઓને પીવાનું પાણી મેળવવા માટે આસપાસની અન્ય સોસાયટીઓમાં ભટકવું પડે છે,તેમજ પૈસા ખર્ચીને ખાનગી પાણીનું ટેન્કર બોલાવીને પાણી ભરવું પડે છે,જે અંગે સ્થાનિક રહીસો દ્વારા નગરપાલિકાનાં સત્તાધીસો સમક્ષ પીવાનાં પાણીનો પુરવઠો શરુ કરવા રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઈ યોગ્ય જવાબ નહી આપવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર કરમસદ ઈન્દીરા નગરીમાં સફાઈ કામદાર વર્ગનાં સહીત શ્રમિક અને પછાત સમાજનાં લોકો વસવાટ કરી રહ્યા છે,આ રહીસો ગરીબ અને શ્રમિક પરિવારનાં હોવાનાં કારણેે છેલ્લા ધણા સમયથી તેઓ નગરપાલિકાનોે પાણી વેરો સહીતનાં કરવેરા ભરી શકયા નથી,આ કરવેરાની વસુલાત માટે કરમસદ નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે,જેનાં કારણે સ્થાનિક મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે રઝળપાટ કરવો પડે છે,અને આસપાસની સોસાયટીઓમાં પીવાનું પાણી ભરવા માટે દોડાદોડ કરવી પડે છે,ગૃહિણીઓને પીવાનું પાણી મેળવવા માટે ધરનાં તમામ કામકાજ પડતા મુકીને પાણી મેળવવા દોડાદોડી કરવી પડે છે,જેને લઈને સ્થાનિક મહિલાઓ દ્વારા આ અંગે કરમસદ નગરપાલિકાનાં સત્તાધીસો સમક્ષ પીવાનાં પાણીનો પુરવઠો શરુ કરવા રજુઆત કરી હતી ,તેમ છતાં સત્તાધીસો દ્વારા જયાં સુધી કરવેરા ભરપાઈ કરવામાં નહી આવે ત્યાં સુધી પાણી પુરવઠો આપવામાં નહી આવે તેવાં જવાબો આપવામાં આવતા પાણી વિના ટળવળતા સ્થાનિક મહિલાઓ દ્વારા આજે માથા પર માટલા મુકી આણંદની કલેકટર કચેરી ખાતે જઈને કલેકટર કચેરીની બહાર પાણીનાં માટલા ફોડી સુત્રોચ્ચાર કરી તંત્ર વિરૂદ્ધ રોષ પ્રકટ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું,અને જો તંત્ર દ્વારા પાણી પુરવઠો શરૂ નહી કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
આ પ્રસંગે કોંગ્રેસનાં શહેર પ્રમુખ જગદિસભાઈ સોલંકી, કાઉન્સિલર મહર્ષી પટેલ, નિરવ અમીન,મિથિલેશ અમીન સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકા દ્વારા પાણી જેવી પ્રાથમિક સુવિધા અટકાવી દેવાનો વિરોધ દર્સાવ્યો હતો.