(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩
શહેરનાં મુંજમહુડા વિસ્તારમાં આવેલા હનુમાન નગરમાં છેલ્લાં ચાર માસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકોએ આજે ડે.મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરવા ગયા હતા. એક યુવાને ડે.મ્યુનિ. કમિશ્નરનાં પગ પકડીને પીવાના પાણી માટે ભીખ માંગી હતી. આ સાથે મોરચાએ તેઓની કચેરીમાં માટલા ફોડી પાણી આપો પાણી આપો…ના સુત્રોચ્ચાર કર્યા હતા. પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરનાં મુંજમહુડા વિસ્તારમાં આવેલા હનુમાન નગરમાં છેલ્લાં ચાર માસથી પીવાનું પાણી આવતું નથી. રહીશો દ્વારા અનેક વખત સ્થાનિક કાઉન્સીલર અને વોર્ડ ઓફિસમાં લેખીત તથા મૌખીક રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇએ પાણી અંગે વાત કાને ધરી ન હતી. કોઇને કોઇ બહાના બતાવીને રહીશોને રવાના કરી દેવામાં આવતા હતા. ચોમાસામાં પણ હનુમાન નગરમાં રહીશોને પીવાનું પાણી ન મળતાં લોકોએ કોર્પોરેશન સામે ભારે રોષ ભભુકી ઉઠયો હતો. પીવાનું પાણી પૈસાથી મંગાવવું પડતું હતું. તે દરમ્યાન આજે સ્થાનિક યુવાન પ્રકાશ ધાકરની આગેવાની હેઠળ ૫૦ થી વધુ મહિલાઓ અને પુરૂષોનો મોર્ચો વોર્ડ નં.૬ની કચેરીએ પહોંચી ગયું હતું. પરંતુ વોર્ડ ઓફિસમાં કોઇ આવ્યું ન હોવાથી વોર્ડ ઓફિસની પાછળ આવેલી પશ્ચિમ ઝોનનાં ડે.કમિશ્નર અલ્પેશ મજમુદારની ઓફિસમાં ઘુસી ગયા હતા. રહીશોએ અલ્પેશ મજમુદારને પાણી અંગે રજુઆત કરી હતી. પરંતુ અધિકારી દ્વારા રાબેતા મુજબનો જવાબ આપતા પ્રકાશ ધાકરે ડે.મ્યુનિ. કમિશ્નરનાં પગ પકડી લીધા હતા. અને હનુમાનનગરનાં લોકોને પીવાનું પાણી આપવા માટે આજીજી કરી હતી. આ સાથે મહિલાઓ પણ તેમની સાથે જોડાઇ હતી. રીતસર પાણીનાં પ્રશ્ન હલ કરવા માટે તમામ આજીજી કરી હતી. છેલ્લાં ચાર માસથી પીવાના પાણીનાં તળવડી રહેલાં લોકોએ અમારો પ્રશ્ન હલ કરો. તમારો ફોટો અમારા ઘરે લઇ જઇને રોજ તેની આરતી ઉતારીશું. પીવાના પાણીને પ્રશ્ને સ્થાનિક રહીશોએ મજમુદારની ઓફિસમાં માટલા પણ ફોડયા હતા. પાણી આપો.. પાણી આપો… તેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, આજની રજુઆત પછી પણ અમારા વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો નાછુટકે અમારે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવો પડશે. ડે.મ્યુનિ. કમિશ્નર મજમુદારે જણાવ્યું હતું કે, આ વિસ્તારનાં રહીશો પ્રથમ વખત મારી પાસે રજુઆત કરવા આવ્યા છે. તેઓની રજુઆતને ગંભીરતાથી લેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે તેઓનાં વિસ્તારમાં પાણીની ટેન્કર મોકલી તેઓનો પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવશે. આ સાથે તેઓનો પીવાનાં પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે.