(સંવાદદાતા દ્વારા)
ઈડર, તા.૬
ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક યાત્રાઓનો મહિમા આજે પણ અકબંધ છે તો વળી નાના-ગામોમાં ધર્મોના ભેદભાવ વિના ચારધામ યાત્રા હોય કે હજ તેના યાત્રાળુઓનું મહત્ત્વ અદકેરું હોય છે. તેઓનું માન સન્માન પણ ઘણું હોય છે તેથી જ ખેડબ્રહ્મા તાલુકા મટોડા ગામમાં વડવાઓના સમયથી વસવાટ કરતાં એક મુસ્લિમ ભાઈ હજયાત્રાએ મક્કા મદીના જઈ પરત આવતા ગામ લોકો દ્વારા હાજી મનસુરી હાજી રસુલભાઈ મહંમદભાઈનું શાલ ઓઢાડી ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના યુગમાં પણ ધર્મના ભેદભાવ વગર જાત્રાળુનું સન્માન કરાય છે. ગામમાં હિન્દુ ભાઈઓની કૈલાસ માનસરોવરની મોટી ગણાતી યાત્રા કોઈએ પણ કરી નથી. ત્યારે આ ગામના વતની મનસુરી રસુલભાઈ જેઓ હજ્જ પઢવા જતાં તેમની આ યાત્રાને ગ્રામજનો મોટી યાત્રા ગણે છે. જે ગામના લોકો માટે ગર્વની બાબત હોઈ ગામ લોકો અને આગેવાનો સરપંચ શામળભાઈ પટેલ, વકીલશ્રી કાંતિલાલ પટેલ તથા સોની કાંતિલાલ, પટેલ માધાભાઈ, પટેલ પ્રભુદાસભાઈ પટેલ વકતાભાઈ, ઠાકર પ્રવિણભાઈ, પટેલ દિનેશભાઈ વાઘેલા સુરેન્દ્રસિંહ વગેરે ગ્રામજનોની ઉપસ્થિતિમાં મુઘણશ્વર મંદિર હોલ મટોડા ગામે હજ પઢી આવનાર હાજીનું ફુલહાર તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે કોમી એકતાની સુવાસ પ્રસરતી અનુભવાઈ હતી.