(એજન્સી) હૈદરાબાદ, તા.૧૩
તેલંગાણાના ભાજપા ધારાસભ્ય ટી.રાજાસિંહ લોધ દ્વારા સોમવારે એક વિવાદાસ્પદ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મતોની ભીખ માગનારાઓ જ ઈફતાર પાર્ટીનું આયોજન કરે છે. સતત વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહેનારા આ ધારાસભ્યએ કહ્યું છે કે તેઓ ના તો આ પ્રકારનું કોઈ આયોજન કરશે અને ના તો આ પ્રકારના કોઈ આયોજનમાં સામેલ થશે. હૈદરાબાદની ગોશામહલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય લોધે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો છે. મેસેજમાં ધારાસભ્યએ કહ્યું કે, તેમના એક મિત્રએ તેમને ઈફતાર પાર્ટીનું આયોજન કરવાનું સૂચન કર્યું, જેવું કે અન્ય નેતાઓ રમજાન મહિનામાં કરે છે.
તેમણે કહ્યું, આ દિવસોમાં તેલંગાણાના અનેક ધારાસભ્યો માથા પર ટોપી પહેરીને સેલ્ફી લેતાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં વ્યસ્ત છે. તેઓ વિચારે છે કે જો તેમને વોટબેંકનું રાજકારણ કરવું છે, તો તેમણે “સૌનો સાથ, સૌનો વિકાસ’ વિશે વિચારવું પડશે. આ તેમની વિચારસરણી છે. જેઓ (ઈફતાર પાર્ટીમાં) તેમની સાથે બેસે છે, તેઓ મતના ભિખારી છે. મારી વિચારસરણી જુદી છે.