લુણાવાડા, તા.૧૪
સમગ્ર દેશ આઝાદીની દબદબાભેર ઉજવણી કરી રહ્યો છે. આ આઝાદી અમસ્તી એમ જ મળી નથી જુલ્મી ગોરી સરકારના ભરડામાં આખો દેશ સપડાઈ ગયો હતો. ચારે તરફ પરાધીનતા, ગુલામીનો સીતમ હતો. આપણા દેશમાં પક્ષીઓ મુક્ત હતા પરંતુ માણસો નહી!! સહુ કોઈને ગુલામીની ઝંઝીરો તોડીને જોર-જુલમ સીતમને યાતનાને તોડીને બહાર નીકળવું હતું. પરદેશી શાસનને માતૃભૂમિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થયો. ઈ.સ.૧૮પ૭માં અને સ્વતંત્રતાની આહલેકનો પવન વાવાઝોડામાં પરિવર્તિત થયો ઈ.સ.૧૯૦૦માં.
સમગ્ર દેશમાં એક તરફ અંગ્રેજોનો સીતમ હતો તો બીજી તરફ ભારતીયોનો નાદ હતો સ્વતંત્રતા !! મુક્તિ !! દેશ આખામાં મુક્તી કાજે જંગ ખેલાઈ રહ્યો હતો ત્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ભડવિરો સ્વતંત્રતા મેળવવાની દોડમાંથી કેમ બાકાત રહી શકે ? આઝાદીની લગનનો કેવો ઉત્સાહ પ્રવર્તતો હતો તે જાણવું જિલ્લાની પ્રજા માટે અત્યંત રસપ્રદ અને રોમાંચક બની રહેશે.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ગોરી સરકાર સામે જંગે ચડી એશિયનો અને કાળા લોકોને થતા અન્યાયો સામે સફળ લડત ચલાવી અને અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી. આ પહેલા ૧૯૦પમાં બંગાળ વિભાજન વિરૂધ્ધમાં બંગભંગ અને સ્વદેશી આંદોલન થયુ ત્યારે ગોધરામાં વકીલ દલસુખભાઈ લલ્લુભાઈ શાહે સ્વદેશી આંદોલન વિશે ખાસ્સો પ્રચાર કર્યો હતો.
૧૯૧૬માં સ્થપાયેલી હોમરૂલ લીગના કાર્યો માટે ગોધરા વામનરાવ મુકાદમ સાથે યુવાન વકીલ દલસુખભાઈ શાહ પુરૂષોત્તમ દાસ, ડૉ. માણેલાલ શાહ અને વાડીલાલ નામના ઉત્સાહી કાર્યકરોએ સપ્ટેમ્બર ૧૯૧૭માં હાલોલ, કાલોલ, વેજલપુર, ગોધરા વગેરે સ્થળોએ હોમરૂલના પ્રચાર અને પ્રસાર માટે જંગી સભા ભરાઈ. આ સભાઓમાં ઈન્દુલાલ યાજ્ઞીકે ધારદાર પ્રવચનો કર્યા હતા.
જો કે જિલ્લામાં માતૃભૂમિને પરદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્ત કરાવવાનો વેગ મળ્યો ૧૯૧૭માં. ૧૯૧૭નું વર્ષ બૃહદ પંચમહાલના ઈતિહાસમાં યશકલગી ધરાવતું યાદગાર વર્ષ છે. ૧૯૧૭માં ગાંધીની ગુજરાત સભાના પ્રમુખ બન્યા હતા. પંચમહાલ જિલ્લા માટે ગૌરવની વાત તો એ છે કે આ સભાની પ્રથમ રાજકીય પરિષદ ગોધરામાં યોજાઈ હતી. આ સભાની ગોધરા ખાતે પસંદગી કરવામાં રાજકીય વિચારોમાં ભારે ઉગ્રતા રાખનાર અને જીભમાં અગનજ્વાળાની ક્રાંતિકનારી જબાનના માલિક અને લોકમાન્ય ટીળકના પ્રખર અનુયાયી વામનરાવ મુકાદમનો ફાળો મુખ્ય હતો.
બૃહદ પંચમહાલ અને ગોધરાને ગૌરવ બક્ષતી ગુજરાત સભાની પ્રથમ રાજકીય પરિષદ ૩, ૪, પ નવેમ્બર ૧૯૧૭માં ગોધરા મુકામે મળી. ગોધરા માટે ઈતિહાસમાં અવિસ્મરણિય બાબત એ હતી કે આ સભામાં ગુજરાત અને ભારતભરના ખ્યાતનામ નેતાઓ જેવા કે લોકમાન્ય ટીળક, મહંમદઅલી ઝીણા, આચાર્ય કૃપલાણી, વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ, અબ્બાસ તૈયબજી, અલી બ્રધર્સ, ઈન્દુલાલ યાજ્ઞીક, વરાડના રાજા કહેવાતા ખાપરડે જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રસના અધિવેશને બાદ કરતા આટલા બધા દિગ્ગજ નેતાઓ ગોધરા જેવા નાના શહેરમાં એકઠા થયા તે કદાચ પ્રથમ પ્રસંગ હશે. ગાંધીજીએ શરૂઆતમાં જ તમામ વક્તાઓને ભારતીય ભાષામાં બોલવાનો આગ્રહ કર્યો હતો, જેના પરિણામે મહંમદઅલી જેવા અંગ્રેજી ભાષા બોલતા નેતાઓ તેમની જિંદગીમાં પ્રથમવાર અને છેલ્લીવાર ગુજરાતીમાં ભાષણ કર્યું હતું તે પણ પંચમહાલના ગોધરા જેવા નાના શહેરમાં !!!
ગોધરાની આ પરિષદની સૌથી મહત્ત્વની બાબત તે હતી કે એ જમાનામાં કોઈપણ અધિવેશનની શરૂઆતમાં સૌપ્રથમ અંગ્રેજ સરકાર અને તાજ પ્રત્યે વફાદારી વ્યક્ત કરવામાં આવી હતી. ગાંધીજીએ ક્રાંતિકારી નિર્ણય લઈ આ રિવાજ બંધ કરાવ્યો હતો. આ બાબત ભારતના ઈતિહાસમાં મહત્ત્વની ઘટના સાબિત થઈ. આ સભામાં કોંગ્રેસ સમિતિ, હોમરૂલ શાખાઓ, મુસ્લિમ લીગ અને રાજકીય સંઘો સાથે મળીને લડત આપશે જેવા ઠરાવો સાથે રપ (પચ્ચીસ) જેટલા ચળવળોને લગતા ઠરાવો કરવામાં આવ્યા હતા.
આ દરમ્યાન ૧૯૧૮-૧૯માં પંચમહાલ જિલ્લામાં દુષ્કાળ પડ્યો. ગાંધીજીની સૂચનાથી ઠક્કરબાપા પંચમહાલ આવ્યા અને દાહોદ આસપાસમાં રાહત કાર્ય કરવા લાગ્યા. રોલેટ એકટના વિરોધમાં ૧૯૧૯માં સત્યાગ્રહ શરૂ થયો ત્યારે ઈન્દુલાલ યાજ્ઞિકે કાયદાની વિરૂધ્ધ જાહેર સભામાં ભાષણો કર્યા હતા. ઓગસ્ટ ૧૯ર૦માં અસહકારની ચળવળ દરમ્યાન સણસોલીના હિંમતલાલ ગરબડદાસ ગુપ્તાએ વિદેશી વસ્તુઓની હોળી કરી. કાલોલના માણેકલાલ ગાંધીએ સરકારી નોકરી છોડી દારૂના પીઠા પર પિકેટીંગ કર્યું અને ૧૯ર૧માં રાષ્ટ્રીય શાળા ખોલી. દાહોદમાં વલ્લભભાઈ પટેલના પ્રમુખ પદે યોજવામાં આવેલી પરિષદમાં હજારો ભીલોને લડતનો સંદેશો અપાયો અને તૈયાર કરવામાં આવ્યા. આ પરિષદમાં અસહકારનો ઠરાવ રજૂ કરાયો જેને રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા મૌલાના શૌકતઅલીએ બૂલંદ અવાજે ઠરાવને અનુમોદન આપ્યું.
ર જાન્યુઆરી ૧૯રપના રોજ ગાંધીજીએ પંચમહાલની મુલાકાત લીધી દાહોદમાં ગાંધીજીએ જાહેરસભાને તથા વણકરોની સભા સંબોધી બીજે દિવસે ગોધરામાં ૧૯૧૭માં સ્થાપના કરેલ આશ્રમની મુલાકાત લીધી અને સભામાં સ્વદેશી અપનાવવાની હાકલ કરી. સવિનય કાનૂન ભંગની ચળવળ દરમ્યાન પંચમહાલમાં સૌપ્રથમ ગોધરાના વલ્લભદાસ ચંદુલાલ મોદીએ મીઠાના કાયદા ભંગની શરૂઆત કરી. કાલોલ તાલુકાના મલાવ ગામના છોટુભાઈ ખુશાલભાઈ પટેલ દાંડી કૂચમાં જોડાયા ધરાસણા મીઠા ખગરો પર વામનરાવ મુકાદમની આગેવાની હેઠળ ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદના રપ સ્વયં સેવકોની ટુકડી ગોધરામાં સરઘસરૂપે ફરી ધરાસણ ગઈ હતી અને વામનરાવને અપમાનીત કરી સખત માર મારવામાં આવ્યા હતા. મારૂતિસિંહ ઠાકોર અને બીજા કાર્યકરો પર ઘોડા દોડાવી ઝુલમ કરવામાં આવ્યો હતો. ર૬ સપ્ટેમ્બર ૧૯૩૦માં રોજ નવતર એવા કાલોલ તાલુકાના મલાવ ગામે ૪૦૦ એકર ઘાસના બીડમાં ઘાસ ઉખાડીને સત્યાગ્રહ કરાયો હતો. નાકરની લડતમાં જિલ્લામાંથી ૧૧પ માણસો જેલમાં ગયા હતા. ૧૯૩રમાં માણેકલાલ ગાંધીએ ૬ મહિના સુધી વડોદરામાં ગુપ્ત રહી આંદોલન ચલાવ્યું હતું અને પંચમહાલ જિલ્લામાંથી ૧ર૦૦ સત્યાગ્રહીઓને તૈયાર કર્યા હતા. આ ગાળામાં દાહોદના કમળાશંકર પંડયાએ વિદેશી ચીજવસ્તુઓની તમામ એજન્સીઓ છોડી દઈ લડતમાં ઝંપલાવ્યું હતું. તેઓ નાકરની લડતમાં જાત-જાતની ગોરા વિરુધ્ધ પત્રીકાઓ ગુપ્ત રીતે છાપતા હતા અને રસીકલાલ કડિયા અને ચંદુલાલ આશારામ શાહ વગેરે મારફતે જિલ્લામાં વહેંચતા હતા.
આ રીતે પંચમહાલ જિલ્લો પણ આઝાદીની લડતમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારા અને દેશ સાથે રહીને લડત લડતો રહ્યો હતો.