(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
રાજ્યમાં હજી શિયાળાની સંપૂર્ણપણે વિદાય થઈ નથી એકાદ દિવસ સહેજ વાતાવરણ સામાન્ય રહ્યા બાદ ક્યારેક ઠંડી, ક્યારેક વાદળછાયુ વાતાવરણ તો ક્યારેક માવઠું પડી જતાં પુનઃ વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. તેવામાં હવામાન ખાતાઓ આગામી ૩થી પ માર્ચ દરમ્યાન રાજ્યના હવામાનમાં પુનઃ પલટો આવશેની આગાહી કરતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો સર્જાયા છે.
આગામી ૩ માર્ચથી લઇને ૪-૫ માર્ચ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે, હવામાન ખાતાએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સાઇક્લોનિક સિસ્ટમ સર્જાઇ છે, આ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને કચ્છમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ૩ માર્ચથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારબાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે જેના કારણે ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન ખાતા તરફથી ઉનાળાની શરૂઆત એટલે કે ગરમી અંગે કોઇ આગાહી કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા દરેક દિવસથી વાદળછાયું વાતાવરણ અને ક્યાંક માવઠું પડી જતાં ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ ઘઉં, જીરૂ, એરંડા, વરીયાળી રાયડા, કેરી જેવા પાકો તૈયાર થઈ રહ્યા છે. પર પ્રતિકૂળ હવામાનની અસરથી આ પાકોને ભારે નુકસાન થયું છે. કાંતો પાક નબળો ઉતરે તેવી શક્યતા છે. તેવામાં હજી કેટલાક વિસ્તારોમાં માવઠાંની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.