અમદાવાદ, તા.૮
વર્ષ-ર૦૦રમાં બનેલા ચકચારીભર્યા નરોડા ગામ હત્યાકાંડ કેસની હાલમાં સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની લેવાઈ રહી છે. ત્યારે નરોડાગામ હત્યાકાંડના અસરગ્રસ્તો દ્વારા મુખ્ય આરોપી ડૉ. માયા કોડનાનીને મળેલા જામીન તાત્કાલિક રદ કરી તેમને જેલમાં મોકલવામાં આવે તે બાબતી હાઈકોર્ટને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે અને તમામ આરોપીઓના જામીન રદ કરી તેમને જેલમાં પાછા મોકલવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે ર૦૦રમાં નરોડાગામ હત્યાકાંડ કેસમાં મુખ્ય આરોપી ડૉ. માયા કોડનાનીને આજીવન કારાવાસની સજા થયેલી છે અને તેઓએ તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાના તેમજ અન્ય ખોટા કારણો રજૂ કરીને હાઈકોર્ટમાંથી કાયમી જામીન મેળવ્યા છે. કોડનાનીના વકીલ દ્વારા તા.૪-૭-ર૦૧૭ના રોજ કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે તેમના પૌત્રીને એમબીબીએસમાં એડમીશન મળેલ છે તેથી તે અમદાવાદની બહાર પી.જી.તરીકે રહીને અભ્યાસ કરે છે. માટે તેમની સાથે રહેવા તથા સારસંભાળ રાખવા માટે માયા કોડનાનીને કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. વધુમાં પત્રમાં જણાવ્યા અનુસાર નરોડા ગામ હત્યાકાંડ કેસને બચાવ પક્ષ દ્વારા ગેરમાર્ગે દોરવા માટે ખોટા સાક્ષીઓ, ખોટા પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા છે. એક બાજુ માયા કોડનાનીને મળેલી આજીવન કેદની સજા ન ભોગવવી પડે તે માટે માનસિક સ્થિતિ સારી નથી તેવું ખોટું કારણ આપી કાયમી જામીન મેળવે છે અને બીજી બાજુ સ્પેશ્યલ કોર્ટમાં પોતાની પૌત્રીની સાર સંભાળ રાખવા માટે કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરે છે. આ કેસમાં અગાઉ અરજદાર તેમજ કેસનાં અન્ય સાક્ષીઓને આ કેસમાંથી ખસી જવા દબાણ તેમજ ધાકધમકીઓ આપવામાં આવી હતી. આ અંગે અગાઉ ડૉ. પ્રહલાદ મોહન પરમાર દ્વારા ધમકી આપવામાં આવતાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલી છે અને તેની સુનાવણી મેટ્રો કોર્ટમાં ચાલી રહી છે. અરજદાર દ્વારા કોડનીના અને તમામ આરોપીઓના જામીન રદ કરવા અને નરોડા પાટિયા કેસની જેમ નરોડાગામ કેસને પણ પૂર્વ આયોજિત ગણવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી પણ પત્રમાં હાઈકોર્ટને રજૂઆત કરવામાં આવી હતી.