અમદાવાદ, તા.૧૮
ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદની કોર્ટમાં જુબાનીમાં જણાવ્યું હતું કે, એમના પક્ષની નેતા માયા કોડનાનીને સોલા સિવિલ હોસ્પિટલમાં અને રાજ્ય વિધાનસભામાં ર૮મી ફેબ્રુઆરી ર૦૦રના દિવસે જોયાં હતાં. રમખાણના કેસમાં અમિત શાહ બચાવ પક્ષના સાક્ષી તરીકે હાજર રહ્યા હતા અને જુબાની આપી હતી. રમખાણોની આ ઘટના અમદાવાદના નરોડા પાટિયા ગામમાં બની હતી. જેમાં ૧૧ મુસ્લિમોની હત્યા કરાઈ હતી. આ કેસમાં માયા કોડનાની આરોપી છે. માયા કોડનાનીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે એ વિધાનસભામાં અને તે પછી સોલા સિવિલ હોસ્પિટલમાં હતી જ્યાં બન્ને સ્થળે અમિત શાહ પણ હાજર હતા. એ માટે અમિત શાહની જુબાનીની માગણી કરી હતી જેથી એ પૂરવાર થાય કે બનાવવાળા સ્થળે જે તે તારીખે હાજર ન હતી. શાહે કોર્ટને જણાવ્યું કે માયા કોડનાની રાજ્ય વિધાનસભામાં સવારે ૮ઃ૩૦ વાગે હાજર હતી. એમણે કહ્યું એ પછી હું ત્યાંથી સીધો સોલા સિવિલ હોસ્પિટલ ૯ઃ૩૦થી ૯ઃ૪પ દરમિયાન ત્યાં પહોંચ્યો હતો. એ પછી જ્યારે હું હોસ્પિટલથી ૧૧ઃ૦૦થી ૧૧ઃ૧પ વાગે બહાર નીકળ્યો હતો. ત્યારે એ ત્યાં હતી અને અમે બન્ને સાથે બહાર નીકળ્યા હતા. એ પછી એ ક્યાં ગઈ એની જાણ મને નથી અમે બન્ને જુદા જુદા રસ્તે જવા નીકળ્યા હતા. વકીલે શાહને પૂછયું વિધાનસભાની મીટિંગ પછી અને હોસ્પિટલ પહોંચવાના વચગાળાના સમયમાં એ ક્યાં હતી ત્યારે શાહે કહ્યું કે આ બાબતે હું કંઈ જાણતો નથી. હોસ્પિટલ પછી એ કયાં ગઈ એ બાબત પણ મને ખબર નથી. સાક્ષીઓએ પોતાની જુબાનીમાં જણાવ્યું છે કે, ર૮મી ફેબ્રુઆરી ર૦૦રના દિવસે જે દિવસે આ ઘટના નરોડા ગામમાં બની હતી તે વખતે એટલે ૯ઃ૩૦ અને ૧૦ઃ૦૦ વાગ્યાની વચ્ચે ત્યાં હાજર હતી અને ટોળાની ઉશ્કેરણી કરી હતી. ગયા અઠવાડિયે જજે કહ્યું હતું કે અમિત શાહે આજે અચૂક હાજર રહેવું જોઈએ. કોડનાનીએ વિનંતી કરી હતી કે અમે એમનો સંપર્ક કરી શકતા નથી. માયા કોડનાની સાથે ૭૯ આરોપીઓ છે જે આ કેસનો સામનો કરી રહ્યા છે. નરોડા ગામ કેસ રમખાણોના મોટા કેસોમાંનો એક છે.