ઈન્દોર,તા.૧૫
બાંગ્લાદેશ સામેની ટેસ્ટના બીજા દિવસે આકર્ષક બેવડી સદી ફટકારનાર મયંકને ૩૦૦ રન કરવા વિરાટ કોહલીએ નિર્દેશ કર્યો હતો પણ ર૪૩ રને આઉટ થતા મયંક અગ્રવાલને આધાત લાગ્યો હતો. ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ૬ વિકેટે ૪૯૩ રન કર્યા છે. બીજા દિવસના અંતે રવિન્દ્ર જાડેજા ૬૦ રને અને ઉમેશ યાદવ ૨૫ રને અણનમ. ભારતે ૩૪૩ રનની લીડ મેળવી લીધી છે અને મેચમાં તેની જીત નક્કી છે. મયંક અગ્રવાલે પોતાના આઠમી ટેસ્ટમાં કરિયરની બીજી બેવડી સદી મારી હતી. તેણે ૩૩૦ બોલમાં ૨૮ ચોક્કા અને ૮ છગ્ગાની મદદથી ૨૪૩ રન કર્યા હતા. બાંગ્લાદેશ માટે અબુ જાયેદે ૪ વિકેટ, જયારે એ હુસેન અને મહેંદી હસને ૧-૧ વિકેટ લીધી હતી.
ચેતેશ્વર પુજારા પોતાના ટેસ્ટ કરિયરની ૨૩મી ફિફટી ફટકારીને આઉટ થયો હતો. તે જાયેદની બોલિંગમાં ગલીમાં સબ્સ્ટિટયૂટ સેફ હસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૫૪ રન કર્યા હતા અને મયંક સાથે બીજી વિકેટ માટે ૯૧ રનની પાર્ટનરશીપ કરી હતી.
કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. તે અબુ જાયેદની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો, અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો, પરંતુ મહેમાન ટીમે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. કોહલી આજે પોતાના ટેસ્ટ કરિયરમાં ૧૦મી વાર શૂન્ય પર આઉટ થયો હતો. તે ચાર વાર ગોલ્ડન ડક એટલે કે પ્રથમ બોલે આઉટ થયો છે. ચાર વાર સિલ્વર ડક એટલે કે બીજા બોલે શૂન્ય પર આઉટ થયો છે. તે એકવાર ચોથા બોલે અને એકવાર ૧૧મા બોલે ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગો થયો છે.
અજિંક્ય રહાણેએ ટેસ્ટમાં ચાર હજાર રન પૂરા કર્યા છે. તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ૧૦મો ભારતીય બન્યો છે. રહાણેએ ૪૦૦૦નો આંક વટાવવા ૧૦૪ ઇનિંગ્સ લીધી છે. સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણે પણ આ સિદ્ધિ મેળવવા આટલી જ ઇનિંગ્સ લીધી હતી. ત્રણેય આ સિદ્ધિ મેળવવા સૌથી વધુ ઇનિંગ્સ લેનાર બેટ્સમેનની યાદીમાં ચોથા સ્થાને છે. કપિલ દેવે ૧૩૮, એમએસ ધોનીએ ૧૧૬ અને દિલીપ વેંગસરકરે ૧૧૪ ઇનિંગ્સ લીધી હતી. રહાણેએ આજે કરિયરની ૨૧મી ફિફટી ફટકારી હતી. તેણે ૧૭૨ બોલમાં ૯ ચોક્કાની મદદથી ૮૬ રન કર્યા હતા.
જાડેજાએ મયંકનો સાથ આપતા એક છેડો સાચવીને બેટિંગ કરી હતી. મયંકના આઉટ થયા પછી તેણે પણ બાંગ્લાદેશી બોલર્સને ચારેય બાજુ ફટકાર્યા હતા. જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરની ૧૪મી ફિફટી મારી છે. તેણે ૬ ચોક્કા અને ૨ છગ્ગાની મદદથી ૬૦* રન કર્યા છે.
મયંકે બેવડી સદી ફટકારી ડૉન બ્રેડમેનની બરાબરી કરી
ઈનિંગની દ્રષ્ટિએ મયંકે સર ડોન બ્રેડમેનન કરતા એક ઈનિંગ ઓછી રમીને બીજી બેવડી સદી ફટકારી છે. અગાઉ ભારતના વિનોદ કાંબલીએ પાંચ ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી હતી જ્યારે મયંક અગ્રવાલે ટેસ્ટ મેચમાં ૧૨મી ઈનિંગમાં બીજી બેવડી સદી ફટકારી છે. સર ડોન બ્રેડમેને બીજી બેવડી સદી ફટકારવા માટે ૧૩ ઈનિંગ રમી હતી. મયંકે તેના કારકિર્દીની આઠમી ટેસ્ટ રમતા બીજી બેવડી સદી ફટકારી છે જે અનોખી સિદ્ધી છે.
Recent Comments