(એજન્સી) લખનૌ, તા.૨૧
ભાજપના ચર્ચાસ્પદ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે બસપાના પ્રમુખ માયાવતી અંગે વાંધાજનક ટિપ્પણી કરનારા પાર્ટીના ધારાસભ્ય સાધના સિંહનો ખુલ્લો બચાવ કર્યો અને બેરૈયાના ધારાસભ્યે સોમવારે પત્રકારો સમક્ષ સાધના સિંહના નિવેદનને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, સ્વાભિમાન વિનાના વ્યક્તિને કિન્નર કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, ૧૯૯૫માં થયેલા ગેસ્ટ હાઉસ કાંડની ઘટના બાદ પણ માયાવતીએ જે રીતે સપા સાથે ગઠબંધન કર્યું છે તેનાથી સ્પષ્ટ છે કે, માયાવતી સ્વાભિમાન વિનાના મહિલા છે. તેઓ હિટલર સ્વભાવના છે. તેમણે ઉમેર્યું કે, માયાવતી દલિત એક્ટનો ડંખ મારે છે. સાધના સિંહ સામે ફરિયાદ દાખલ થવા અંગે તેમણે કહ્યું કે, ફરિયાદ કેવી રીતે દાખલ થાય અમે લડાઇ લડીશું.
ઉલ્લેખનીય છે કે, મુઘલસરાય વિસ્તારમાંથી ધારાસભ્ય સાધના સિંહે ચંદૌલી જિલ્લાના કરણપુરા ગામમાંથી શનિવારે આયોજિત ખેડૂત કુંભ કાર્યક્રમમાં માયાવતીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મને તો ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મહિલા કે પુરૂષ બંનેમાંથી કોઇ જ લાગતા નથી. તેમને તો પોતાનું સન્માન જ સમજાતું નથી. જે મહિલાનું આટલું મોટું ચીરહરણ થયું તેણે ખુરશી મેળવવા માટે પોતાના સન્માનને વેચી દીધું છે. આવા મહિલા માયાવતીનો આ કાર્યક્રમ દ્વારા અમે તિરસ્કાર કરીએ છીએ. આ મહિલા નારી જાતિ પર કલંક છે. આવી મહિલા તો કિન્નર કરતા પણ વધુ બદતર છે. તેઓ નર પણ નથી અને મહિલા પણ નથી જેની શ્રેણીમાં કિન્નર આવે છે. જોકે, બાદમાં મામલો ગરમાતા સાધનાએ માફી માગી હતી. સપા અને બસપા સહિત કેન્દ્રમાં મંત્રી રામદાસ અઠાવલેએ પણ ધારાસભ્યની ટિપ્પણીની ટીકા કરી હતી. બસપાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.ઙ્મ