(એજન્સી) નવી દિલ્હી,તા.૨૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાયપુરમાં મિનિમમ ઇન્કમ ગેરંટીની ઘોષણા કરી હતી. રાહુલ ગાંધીને લાગ્યું હશે કે આ યોજના બાદ પ્રજા તેમને મતોથી સ્વીકારી લેશે પરંતુ તેઓ ચૂંટણીના લગભગ ૩ માસ અગાઉ વિવિધ નેતાઓના નિશાના પર આવી ગયા છે. બીએસપી પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની મિનિમમ ઇન્કમ ગેરંટી એક જુઠાણું છે જેમકે ગરીબી હટાઓ.
એટલું જ નહી તેમણે રાહુલ ગાંધીના આ વચનની સરખામણી હાલની સરરકાર સાથે પણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જેવી રીતે હાલની સરકાર અચ્છે દિન, બ્લેક મની પરત લાવવું અને ૧૫ લાખ રૂપિયાનના વચન આપ્યા હતા, તેવી જ રીતે રાહુલ ગાંધીએ વચન આપ્યા છે.
યુનિવર્સલ બેઝિક ઇન્કમ હેઠળ પ્રત્યેક મહિને કેટલીક નિર્ધારીત રકમ પ્રાપ્ત થાય છે.આમા કોઈ જ પ્રકારની શરત નહીં હોય અને કોઈ પરીક્ષા આપવી પડતી નથી તેમજ કોઈ કામ કરવાની જરૂર પણ રહેતી નથી.
બીજા શબ્દોમાં કહીએ તો દેશના પ્રત્યેક નાગરિકને એક નિર્ધારીત સમય પર નિર્ધારીત રકમ મળશે. આમાં તેમની સામાજીક અથવા આર્થિક સ્થિતિની કોઇ અસર હશે નહી. પ્રથમ વાર ૨૦૧૬-૧૭ના ઇકોનોમિક સર્વેમાં આનો ઉલ્લેખ કરાયો હતો. જો આપણે વિશ્વ બેન્કની નવી મર્યાદા પ્રમાણે જુઇએ તો પ્રત્યેક શખ્સને દરરોજ ૧.૯૦ ડોલર(લગભગ ૧૩૫ રૂ.) મળવા જોઇએ. જો આ પ્રમાણે જોઇએ તો ૧૩૦ કરોડની વસ્તી માટે કુલ ૧૭,૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ માત્ર ગરીબોને યુનિવર્સલ બેઝિક ઇન્કમ આપવાની જાહેરાત કરી છે.