(એજન્સી) લખનૌ,તા.૧૬
ચૂંટણીપંચ દ્વારા બસપા પ્રમુખ માયાવતી પર ૪૮ કલાકનો પ્રતિબંધ મંગળવારે શરૂ થશે. આ પ્રતિબંધ દેવબંદમાં ચૂંટણી અભિયાન દરમ્યાન વિવાદિત નિવેદન બદલ મુકાયો છે. માયાવતીને સોમવારે આ નિર્ણયને, અભૂતપૂર્વ, અસંવૈધાનિક અને ક્રૂર ગણાવ્યો હતો. લખનૌમાં બસપા કાર્યાલય ખાતે મીડિયા સાથે વાતચીતમાં માયાવતીએ દાવો કર્યો હતો કે, ચૂંટણીપંચે નિર્ણય દબાણ હેઠળ લીધો છે. જેથી તેમને લોકોને ભાજપને સત્તાથી દુર કરવા અપીલ કરતા રોકી શકાય. તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષ ચૂંટણીના પ્રથમ ચરણ બાદ ભયભીત થયો છે. ઉત્તરપ્રદેશમાં માયાવતીના ગઠબંધનના સાથી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પંચના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે માયાવતી વિરૂધ્ધ ચૂંટણીપંચનો આદેશ સવાલ ઉભો કરે છે. શું તેમની પાસે સેનાના નામે મત માંગનારા વડાપ્રધાનને રોકવાની ઈમાનદારી છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ તાજેતરના ભાષણમાં એક પંકિત કરતા મતદાર દરમ્યાન પુલવામા હુમલામાં શહિદોને યાદ રાખવા સૂચન કર્યું હતું.
બસપા પ્રમુખ અનુસાર, તેમણે મુસ્લિમ સમુદાયને કોઈ સંબંધીને કારણે પોતાના મતો વિભાજીત નહીં કરવા માટે વિશેષ અપીલ કરી હતી. આ અપીલ સ્પષ્ટ રૂપે સૂચિત કરે છે કે, મુસ્લિમોએ ધર્મના આધારે પોતાના મતોના વિભાજન ન થવા દેવું જોઈએ. માયાવતીએ કહ્યું કે, ૧પ એપ્રિલને ચૂંટણીપંચના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. મંગળવારે આગ્રામાં મહત્વપૂર્ણ રાજનૈતિક રેલીમાં ભાગ લેવાથી રોકવા આ આદેશ આપવામાં આવ્યો છે. આ ચકિત કરનાર નિર્ણય સ્પષ્ટપણે દબાણ હેઠળ લેવામાં આવ્યો છે. તેમણે આરોપ મુકયો કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદીને વિભિન્ન સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાની ખુલ્લી છુટ આપવામાં આવી છે. ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે અને લોકો જાહેર ભાષણોના આધારે પોતાનો મત નક્કી કરે છે. આવી પરિસ્થિતિમાં આ આદેશ લોકશાહીની હત્યા નથી તો શું છે ?