(એજન્સી)નવી દિલ્હી, તા. ૧૪
બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડાં માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રહારો કરતા જણાવ્યું કે સાતમા તબક્કાનું મતદાન ૧૯મી મે ના રોજ યોજાવાનું છે ત્યારે લોકસભાની ચૂંટણીઓ છેલ્લા તબક્કામાં પ્રવેશી ગઇ હોવાથી મોદી સરકારનું જહાજ ડુબી રહ્યું છે. બસપાના સુપ્રીમોએ એવું ટિ્‌વટ કર્યું કે વડાપ્રધાન મોદી સરકારનું જહાજ ડુબી રહ્યું છે, આરએસએસે પણ તેમને સમર્થન આપવાનું બંધ કરી દીધું છે. ચૂંટણીઓમાં આપેલા વચનો પુરા નહીં કરવા અને જાહેર આંદોલનોને ધ્યામાં રાખી આ ચૂંટ્‌ણીઓમાં સંઘના કાર્યકરો મોદી સરકારના સમર્થનમાં કામ કરતા દેખાતા નથી અને આ બાબતે મોદીને પરેશાન કરી દીધું છે અને મોદી હતાશ થઇ ગયા છે. તેમણે કહ્યું કે છ તબક્કાના મતદાન બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે હવે કેન્દ્રમાં મોદી સરકાર જઇ રહી છે. પીએમ મોેદીની સરકાર આ ચૂંટણીઓ હારી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બસપાનાં વડા માયાવતી સામે રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર ગેંગરેપ અંગે મગરના આંસુ સારવાનો આરોપ મુક્યો હતો અને રાજસ્થાનની કોંગ્રેસ સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાનો બસપાને પડકાર ફેંક્યો હતો. પીએમ મોદીની આ ટિપ્પણીઓ કર્યાના કલાકો બાદ માયાવતીએ ગંદુ રાજકારણ કરવાનો મોદી સામે આરોપ મુક્યો હતો અને ભૂતકાળમાં દલિતો પર અત્યાચારોની ઘટનાઓ બદલ માયાવતીએ વડાપ્રધાનના રાજીનામાની માગણી કરી હતી.

‘નિર્દોષ પત્ની’ને છોડી દેવા બદલ માયાવતીએ મોદીની ટીકા કરી

બસપાના સુપ્રીમો માયાવતીએ એવો આરોપ મુક્યો છે કે ભાજપના નેતાઓની પત્નીઓ તેમના પતિઓની પીએમ મોદી સાથેની મુલાકાતથી ડરે છે. ભાજપના નેતાઓની પત્નીઓને એવો ભય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ તેમના પતિઓ પણ તેમને છોડી શકે છે. માયાવતીએ એવું પૂછ્યું કે પીએમ મોદી બહેન અને પત્નીઓની ઇજ્જત કરવાનું કેવી રીતે જાણશે જ્યારે તેઓ પોતાની નિર્દોષ પત્નીને રાજકીય લાભ ખાતર છોડી ચુક્યા છે. માયાવતીએ ગુજરાત અને ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો પર અત્યાચારોના કેસો વિશે પણ કહ્યું હતું. અલવરની ઘટના અંગે કોઇને પણ કોઇ સૂચન કરવાનો મોદીને કોઇ અધિકાર નથી. પોતાના રાજકીય હેતુઓ પાર પાડવા માટે પીએમ મોદીએ પોતાની જાતિને અત્યંત પછાત જાતિને સામેલ કરી છે. મોદી બનાવટી ઓબીસી છે જ્યારે અખિલેશ યાદવ અસલ ઓબીસી છે. માયાવતી દ્વારા પીએમ નરેન્દ્ર મોદી સામે કરવામાં આવેલા અંગત પ્રહારો અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે જાહેર જીવન માટે માયાવતી અયોગ્ય છે. જ્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર ગેંગરેપ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા રાજકીય પ્રશ્નોના જવાબ આપવાને બદલે માયાવતી મોદી સામે અંગત પ્રહારો કરી રહ્યા છે.