(એજન્સી) લખનૌ, તા.રપ
પૂર્વ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીને સુપ્રીમકોર્ટે તેમના સરકારી નિવાસને છોડવાના આદેશ આપ્યા છે. પરંતુ આ આદેશને લઈ બન્ને જણા સરકારી નિવાસ છોડવાના મૂડમાં નથી અને બન્ને જણા આ નિર્ણય અંગે ફાઈટ લડવા તૈયાર લાગે છે. લખનૌમાં આવેલ રાજસ્થાનના ગુલાબી માર્બલથી બનાવેલ ૧૦ બેડરૂમવાળા પાંચ એકરમાં પથરાયેલા બંગલાને માયાવતી છોડવા તૈયાર નથી. તેમણે બંગલાને સ્મારકમાં ફેરવી દીધો છે. હાલમાં બંગલાની બહાર નવા બોર્ડ સાથે લખનૌ બંગલા પર ‘‘શ્રી કાંશી રામજી યાદગાર વિશ્રામ સ્થળ’’ નામ આપવામાં આવ્યું છે. માયાવતીએ આ નામ પોતાના ગુરૂ કાંશી રામના નામે રાખ્યું છે. જે બહુજન સમાજપાર્ટીના રચેતા હતા. માયાવતીના સહાયક અને બસપા નેતા સતીષ ચંદ્રા મિશ્રા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. મિશ્રાએ માયાવતીના હસ્તાક્ષર કરેલા પાંચ પાનાના પત્ર સોંપતા કહ્યું કે, ૧૩ એ મોલ એવન્યુ તો તેમનો સરકારી આવાસ છે જ નહીં તેમનો સરકારી નિવાસ તો ૬, લાલબહાદૂર શાસ્ત્રી માર્ગ છે અને આ બંગલો તેઓ ઝડપથી ખાલી કરી દેશે. માયાવતીના પ્રતિનિધિના રૂપમાં યોગીને મળવા પહોંચેલ નેતા યોગીને પત્ર સોંપીને બસપા શાસનકાળમાં થયેલ કેબિનેટના નિર્ણયની જાણકારી આપી. પત્રમાં માયાવતીએ લખ્યું કે, ૧૩ જાન્યુઆરી ર૦૧૧માં બસપા શાસનકાળમાં ૧૩ મોલ એવેન્યુ કાંશીરામજી યાદગાર સ્થળ ઘોષિત કરવામાં આવી ચૂકયો છે. તેના કેટલાક ભાગમાં જ માયાવતીને આ ઉદ્દેશ્ય સાથે રહેવાની મંજૂરી આપી છે કે, આ સ્થળની સારસંભાળ અને સુરક્ષા મારાથી થઈ શકે. માયાવતીએ એ પણ અનુરોધ કર્યો કે શ્રી કાંશીરામજી યાદગાર વિશ્રામ સ્થળની દેખરેખ સુરક્ષા રાજ્ય સંપત્તિ વિભાગ કરે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો પહેલાંની જેમ બસપા આવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, ગત દિવસોમાં સુપ્રીમકોર્ટે પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન નિવાસ આપવાના કાયદાને રદ કરી દેવામાં આવ્યો હતો અને પ્રદેશના છ પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલાને ૧પ દિવસમાં ખાલી કરવાનો આદેશ જારી કર્યો હતો.