(એજન્સી) લખનૌ, તા.૧૯
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આવકવેરા વિભાગની ભારે ટીકા કરી છે. પોતાના ભાઈ આનંદ કુમારનો નોઈડા સ્થિત રૂ. ૪૦૦ કરોડનો પ્લોટ આઈટી દ્વારા જપ્ત કરાયો હતો. માયાવતીએ કહ્યું હતું કે ભાજપ પોતાની જાતને હરિશચંદ્ર માને છે તો પોતાની પણ તપાસ કરાવે. તેનાથી ખ્યાલ આવશે કે રાજકારણમાં આવ્યા પછી તેની સંપત્તિ કેટલી વધી છે.
તમણે વધુમાં કહ્યું હતું કે મોદી- શાહની જોડીને મારો પ્રશ્ન છે કે ભાજપની ઓફિસ બનાવવા માટે અબજો રૂપિયા ક્યાંથી આવ્યા છે? શું તે બેનામી નથી? ચૂંટણી દરમિયાન ૨૦૦૦ કરોડથી વધારે રૂપિયા ભાજપના ખાતામાં આવ્યા હતા. પરંતુ તેનો ખુલાસો થયો નથી. તેની પણ તપાસ થવી જોઈએ. જો ભાજપ એવું માનતી હોય કે તે ખૂબજ ઈમાનદાર છે તો તેની તપાસ કરવી જોઈએ. માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસના લોકો જાતિવાદથી પીડિત છે. શિક્ષણ અને વેપારમાં દલિતો કે અન્ય પછાત જાતિના વિકાસને જોઈ શકતી નથી. સમસ્યાઓ ઊભી કરવા માટે તે અલગ અલગ પ્રકારના માર્ગનો પ્રયોગ કરે છે. પરંતુ અમારી પાર્ટી દલિતો અને પછાત વર્ગના વિકાસ માટે કામ કરશે. માયાવતીએ ટિ્‌વટ કરીને પણ કહ્યું હતું કે ભાજપ કેન્દ્રની સત્તાનો દુરપયોગ કરી વિપક્ષો સામે કાવતરૂ ઘડી તેઓને ખોટા કેસમાં ફસાવી હેરાન કરે છે. હવે મારા ભાઈ-બહેનને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.