(એજન્સી) તા.૨
શુક્રવારે રાજ્યસભામાં વિવાદાસ્પદ ગેરકાયદે પ્રવૃતિઓ(અટકાવો) સુધારા બિલ, ૨૦૧૯ ભારે બહુમતી સાથે પસાર થઇ ગયું. જોકે મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે લોકસભામાં બહુમતી ધરાવતા ભાજપ પાસે રાજ્યસભામાં તો બહુમતી પણ નથી અને ત્યાં આ બિલનું પસાર થઈ જવું ખરેખર આશ્ચર્યજનક છે. જોકે આ વિવાદાસ્પદ ગેરકાયદે પ્રવૃત્તિઓ(અટકાવો) સુધારા બિલ,૨૦૧૯ હેઠળ કેન્દ્ર સરકારને પૂરેપૂરો અધિકાર મળશે કે તે કોઈપણ વ્યક્તિને આતંકી જાહેર કરી શકશે અને તેની મિલકતોને પણ જપ્ત કરી શકશે.
રાજ્યસભામાં હાલમાં ભાજપ પાસે ૭૮ બેઠક છે. જોકે તેમ છતાં વિવાદિત એન્ટી ટેરર બિલને રાજ્યસભાના કુલ ૧૪૭ સાંસદોએ ટેકો આપ્યો હતો જ્યારે તેના વિરોધમાં ફક્ત ૪૨ સાંસદોએ જ મતદાન કર્યું હતું. કોંગ્રેસના ૪૭ સાંસદો છે રાજ્યસભામાં. આમ આદમી પાર્ટીના ૩, ટીએમસીના ૧૩, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ૬, વાયએસઆર કોંગ્રેસના ૨, રાજદના ૫, સમાજવાદી પાર્ટીના ૧૨, સીપીઆઈએમ અને સીપીઆઇના ૬ અને માયાવાતીના નેતૃત્વ હેઠળની બસપાના ૪ છે.
જોકે કોંગ્રેસે આમ તો ચર્ચા દરમિયાન બિલનો વિરોધ કર્યો પણ તેણે વોટ તો ભાજપની તરફેણમાં જ આપ્યો. આ કારણે જ ભાજપને ૧૪૭ વોટ મળી શક્યા અને આ બિલ પસાર થઈ ગયુર્ં. ૪૨ વોટ તો ફક્ત કોંગ્રેસના જ હતા. જો કે કોંગ્રેસે બીજી બાજુ ટીએમસીની મત વિભાજનની માગનો વિરોધ પણ કર્યો હતો. જે લોકોએ બિલનો વિરોધ કર્યો તેમાં ટીએમસીના ૧૩, ડીએમકેના ૫, આપના ૩, રાજદના ૪ અને સપાના ૫, પીડીપી, ટીડીપીના બે બે સાંસદો હતા જ્યારે ડાબેરીઓના ૭ સાંસદોએ પણ તેનો વિરોધ કર્યો હતો. જો કે પોતાને મુસ્લિમોના મસીહા તરીકે દર્શાવતી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ જેની પાર્ટીને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સમર્થન પણ આપે છે તેણે પણ આ બિલને ટેકો આપી દીધો હતો. જોકે બસપાના ચાર સાંસદોએ પણ બિલની તરફેણમાં જ વોટિંગ કર્યું.

બસપામાં રૂપિયા લઇને ટિકિટ
આપવામાં આવે છેઃ રાજેન્દ્ર ગુઢા

(એજન્સી) જયપુર, તા.૨
માયાવતીની બહુજન સમાજ પાર્ટીના એક ધારાસભ્યએ પોતાની જ પાર્ટી વિરૂદ્ધ એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. રાજસ્થાન વિધાનસભામાં બસપાના ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીમાં રૂપિયા લઇને ટિકીટ આપવામાં આવે છે અને જો કોઇ વધારે રૂપિયા આપી દે તો પહેલાની ટિકીટ કટ કરીને બીજાને ટિકીટ મળે છે. રાજેન્દ્ર ગુઢા ઉદયપુરવાટીથી બસપાના ધારાસભ્ય છે. એમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીમાં રૂપિયા લઇને ટિકીટ આપવામાં આવે છે. કોઈ વધારે રૂપિયા આપી દે તો પહેલાની ટિકીટ કટ કરીને બીજાને ટિકીટ મળે છે. ત્રીજો કોઈ વધારે રૂપિયા આપી દે તો બીજા બન્નેની ટિકીટ કટ કરી નાખવામાં આવે છે. એમણે આગળ કહ્યું કે, ચૂંટણીમાં રૂપિયાની અસર થઇ રહીં છે. ગરીબ લોકો ચૂંટણી નથી લડી શકતા. પાર્ટીઓમાં ટિકીટ લેવા માટે રૂપિયા આપવા પડે છે. અમારી પાર્ટીમાં પણ આ બધું જોવા મળે છે. આ પ્રથમ વખત નથી કે માયાવતી પર રૂપિયા લઈને ટિકીટ આપવાનો આરોપ લાગ્યો હોય. આ અગાઉ ઘણા નેતાઓએ બસપા પર આ આરોપ લગાવ્યો છે. ગત વર્ષે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના પૂર્વ સભ્ય મુકુલ ઉપાધ્યાયે આરોપ લગાવ્યો હતો કે, બસપા સુપ્રીમો માયાવતીએ અલીગઢથી ટિકીટના બદલામાં એમની પાસેથી ૫ કરોડ રૂપિયા માગ્યા હતા.