(એજન્સી) લખનઉ, તા. ૨૪
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવાના અહેવાલો અંગે સ્પષ્ટતા કરતા બહુજન સમાજ પાર્ટી (બસપ)નાં સુપ્રીમો માયાવતીએ મંગળવારે જણાવ્યું કે જો બસપને સમ્માનજનક બેઠકો અપાશે તો જ તેમનો પક્ષ કોંગ્રેસ સાથે જોડાણ કરશે. એક પત્રકાર પરિષદને સંબોધતા માયાવતીએ જણાવ્યું કે સમ્માનજનક બેઠકો મળશે તો જ ગઠબંધન સરકારના એક ભાગરૂપે બસપ ચૂંટણીઓ લડશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બસપ સાથે જોડાણ વિશે પ્રતિક્રિયાઓ આપી રહેલા કોંગ્રેસના નેતાઓને બસપ કહેવા માગે છે કે સમાન શરતો કોંગ્રેસને પણ લાગુ પડે છે.
ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે લોકસભાની આગામી ચૂંટણીઓમાં હાથ મિલાવનાર બસપ અને સમાજવાદી પક્ષ (સપા) ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૩૦-૩૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે જ્યારે ૧૦ સીટ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે અને બાકીની ૧૦ સીટ રાષ્ટ્રીય લોકદલ (આરએલડી) જેવા નાના પક્ષોમાં વહેંચી દેવામાં આવે તેવી સંભાવના છે. બસપના વડાએ હિંસક ટોળા દ્વારા રહેંસી નાખવાની તાજેતરની ઘટનાઓ અંગે ભાજપની ટીકા કરીને જણાવ્યું કે સંકુચિત માનસિકતા ધરાવતા ભાજપના સભ્યો અને સમર્થકોનું આ કૃત્ય છે પરંતુ તેઓ મોબ લિંચિંગને દેશભક્તિ ગણે છે.