(એજન્સી) નવી દિલ્હી, તા.૮
બસપા અધ્યક્ષ માયાવતીએ મંગળવારે લોકસભામાં પસાર અનુસૂચિત જાતિઓ (એસસી) અને અનુસૂચિત જનજાતિઓ (એસટી) (અત્યાચાર નિવારણ) સંશોધન બિલ-ર૦૧૮ને આવકાર્યું હતું. જો કે તેમણે એમ પણ કહ્યું કે, આ બિલ આગામી ચૂંટણીને પગલે દબાણ હેઠળ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ એસસી/એસટી કાયદા હેઠળ ધરપકડ વિરોધ સુરક્ષાના સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશને બદલી નાંખશે.
બસપા પ્રમુખે નિવેદનમાં જણાવ્યું કે, ઘણા લાંબા સમયના વિલંબ બાદ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી ચૂંટણીને જોતા આ બિલ લોકસભામાંથી પસાર કરાયું છે. આ બિલ લોકસભામાં દબાણ હેઠળ પસાર થયા બાદ રાજ્યસભામાંથી પણ પસાર થઈ જાય એવી બસપા નેતાએ આશા વ્યક્ત કરી હતી. માયાવતીએ એસસી/એસટી બિલના પાસ થવાનો શ્રેય દબાણ બનાવવામાં સામેલ એસસી/એસટી સમુદાય સહિત પાર્ટીના સમર્થકોને આપ્યો હતો. જેમણે ર એપ્રિલ ભારત બંધમાં ભાગ લીધો હતો.
દલિત અને આદિવાસી મંત્રીઓ અને સત્તારૂઢ પાર્ટીના સાંસદો પર હુમલો કરતા બસપા નેતાએ જણાવ્યું કે, તેઓ આ મુદ્દે ચૂપ રહ્યા અને હવે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મગરના આંસુ સારવા શરૂ કરી દીધા છે.