(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
બસપાના સુપ્રીમો માયાવતીએ પાર્ટીના સીનિયર નેતા જયપ્રકાશ સિંહને તેમની ટીપ્પણી બદલ હાંકી કાઢ્યા છે જેમાં તેમણે એક દિવસ પહેલા જ એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે, ભારતની રાજનીતિમાં વિદેશી લોહી ધરાવતા રાહુલ ગાંધી સફળ નહીં થાય અને દેશનું નેતૃત્વ ન કરી શકે. માયાવતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હું અહીં એ જણાવવા માટે આવી છું કે, જયપ્રકાશસિંહે બીએસપીની વિચારધારા વિરૂદ્ધ નિવેદન આપ્યું છે અને વિરોધી પક્ષોની નેતાગીરી વિરૂદ્ધ અંગત ટીપ્પણી કરી છે. આ તેમનો અંગત મત છે. તેથી તેમને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી કાઢી મુકાયા છે.
માયાવતી દ્વારા ભરવામાં આવેલા પગલાં પહેલા જયપ્રકાશ સિંહે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી તેમના માતની જેમ ઉછર્યા છે પણ પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ ઉછર્યા નથી. જો તેઓ પોતાના પિતા રાજીવ ગાંધીનીજેમ ઉછર્યા હોત તો એક વખત તેઓ રાજનીતિમાં સફળ થયા હોત. પરંતુ તેઓ પોતાની માતાની જેમ ઉછર્યા છે જેઓ વિદેશી છે. આ સાથે હું ચોક્કસ પણે કહેવા માગું છું કે, રાહુલ ગાંધી ભારતીય રાજકારણમાં સફળ નહીં થાય અને ભારતનું નેતૃત્વ કરી શકશે નહીં. દરમિયાન બીએસપી પણ આગામી લોકસભા ચૂંટણીઓ માટે માયાવતીને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજ્કટ કરવા માગે છે. જયપ્રકાશ સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતનો વડાપ્રધાન જન્મના આધારે નક્કી ના થઇ શકે પણ બેલેટથી નક્કી થાય છે. આ ટીપ્પણી તેવા સમયે આવી છે જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા વિપક્ષ ભાજપ વિરોધી ગઠબંધન રચવાના પ્રયાસ કરી રહ્યો છે.